BREAKING NEWS

ટીપી સ્કિમો, બિલ્ડિંગ હાઇટ અને પાર્કિંગ ડિપોઝિટ, FSIમાં હપ્તાના પ્રશ્નો ઉકેલાશે: બિલ્ડર્સ સાથે રાજકોટ મેયરની બેઠક

  • October 14, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સમક્ષ રાજકોટ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જુલાઇ ૨૦૨૬માં વિવિધ પાંચ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરાઇ હતી પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન હતો, દરમિયાન આજે મેયર ડો.નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ મિટિંગ યોજવામા આવી હતી જેમાં પેન્ડિંગ ટીપી સ્કિમો, બિલ્ડિંગ પ્લાન સાથે વસૂલાતી હાઇટ ડિપોઝિટ અને બિલ્ડિંગ પ્લાન પાસ સાથે વસૂલાતી પાર્કિંગ ડિપોઝિટ તેમજ એફ.એસ.આઈ.માં હપ્તા કરી આપવા સહિતની બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરાઇ હતી. આ મિટિંગમાં બિલ્ડર્સ એસો.ના પ્રતિનિધિ તરીકે પરેશ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. એકંદરે મેયર પ્રશ્નો ઉકેલવા હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

દરમિયાન રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા ચેરમેન અમિત ત્રાંબડિયા, પ્રેસિડેન્ટ પરેશ ગજેરા, વાઈસ પ્રેસિડેન્ટ દિલીપ લાડાણી અને ધ્રુવિક જી. પટેલ, સેક્રેટરી સુજીત ઉદાણી, જોઈન્ટ સેક્રેટરી સંજય સાવલિયા, ટ્રેઝરર રાજદીપસિંહ જાડેજા, જોઈન્ટ ટ્રેઝરર વિક્રાંત શાહ તેમજ બોર્ડ મેમ્બર્સ અમિત રાજા, જીતુ કોઠારી, અનિલ જેઠાણી, મિહિર મણિયાર,નિખિલ પટેલ, આશિષ મહેતા,ધર્મેશ જીવાણી, કેતન સોરઠીયા, રણધીરસિંહ જાડેજા, હાર્દિક શેઠ અને ચેતન રોકડ તેમજ ઇન્વાઇટી બોર્ડ મેમ્બર્સ રૂષિત ગોવાણી, આદિત્ય લાખાણી,

ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણા, રાજેન્દ્ર સોનવાણી, પાર્થ તળાવિયા, દિવ્યા પટેલ, ચિરાગ લાખાણી અને કિશન કોટેચા સહિતના નામોલ્લેખ સાથેના લેટરપેડ ઉપર મેયર ડો.નેહલભાઇ શુકલને કરાયેલી રજૂઆતમાં વિવિધ પ્રશ્નો અંગે પાંચ માંગણીઓ રજૂ કરાઇ હતી જેમાં (૧) ટીપી સ્કીમો જે હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોર્ડ પાસે પરામર્શ માટે પેન્ડિંગ પડેલ હોય જેનો ઠરાવ કરી પરામર્શ કરવા (૨) બિલ્ડીંગ પ્લાનમાં ૩.૨૫ મીટરથી વધારે હાઈટ હોય તો હાઈટ ડિપોઝિટ લેવામાં આવે છે જે ૪.૨૫ મીટર કરવા (૩) લેબર કોલોની માટે અમોની જગ્યામાં જે ૪૦ ટકા કપાત થયેલ હોય તેમાં પ્રોજેક્ટ માટે લેબર કોલોની માટે વાપરવા તથા અન્ય રિઝર્વેશન પ્લોટમાં ડેવલપરે લેબર કોલોની કરવી હોય તો અત્યારે જે રૂ.૬.૫ પ્રતિ મીટર પ્રતિ દિવસનું ભાડું છે, જે માસિક અથવા વ્યાજબી કરવા (૪) પેઇડ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફ.એસ.આઈ.) જે ૧.૮ની ઉપર ચાર્જ ભરવાના હોય તે એફ.એસ. આઇ.ના વગર વ્યાજે બે વર્ષના હપ્તા કરી આપવા તેમજ (૫) પ્લાન પાસ વખતે પાર્કિંગ ડિપોઝિટ લેવામાં આવે છે જે બીજા કોઈ શહેરની મહાનગરપાલિકામાં લેવામાં આવતી ન હોય જે પાર્કિંગ ડિપોઝિટ રદ કરવા સહિતની માંગણીઓ રજૂ કરાઇ હતી. ઉપરોક્ત મિટિંગના અંતે બિલ્ડર્સ એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા પાંચેય પ્રશ્નો અંગે યોગ્ય કરવા મેયર અને મ્યુનિ.કમિશનર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવતા આ વર્ષે મહાપાલિકા તરફથી બિલ્ડર લોબીને દિવાલી ગિફ્ટ મળે તેવું બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application