વાર્ષિક રૂ.૧૦૦ કરોડથી વધુ રકમનું બજેટ અને ૧૦૦થી વધુ પ્રાથમિક શાળાઓનો વહીવટ જે સમિતિ હસ્તક ચાલે છે તેવી સ્વાયત સત્તાઓ ધરાવતી રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી અંતર્ગત આજે શાસક પક્ષ ભાજપના ૧૧ ઉમેદવાર અને વિપક્ષ કોંગ્રેસનાં ૧ ઉમેદવાર સહિત કુલ ૧૨ ઉમેદવારોએ જ મેયર કમ નિર્વાચન અધિકારી ડો.નેહલ શુક્લ સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરતા શિક્ષણ સમિતિની ચૂંટણીમાં તમામ ૧૨ સભ્યો બિનહરીફ ચૂંટાઇ ગયા છે.
મેયર કમ નિર્વાચન અધિકારી ડો.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે આજે શાસક પક્ષના ૧૧ અને વિપક્ષના ૧ સહિત કુલ ૧૨ ઉમેદવારી પત્રો તેમની સમક્ષ રજૂ થયા છે જેની આવતીકાલે ચકાસણી કરવામાં આવશે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, સમિતિની કુલ ૧૨ બેઠક માટે ૧૨ ઉમેદવારી પત્રો રજૂ થયા હોય તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા થશે તે નિશ્ચિત બન્યું છે. આવતીકાલે ફોર્મ ચકાસણીની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ વિજેતા ઉમેદવારોની યાદી સરકારમાં મોકલવામાં આવશે અને તે વિજેતા ઉમેદવારોની યાદી ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેર પર્સન અને વાઇસ ચેર પર્સનની નિયુક્તિ માટે પ્રથમ બોર્ડ મિટિંગ યોજવા એજન્ડા પ્રસિધ્ધ થશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૧૫ બેઠકમાંથી ૧૨ બેઠકની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્પોરેટરોના સંખ્યાબળ અનુસાર શાસક પક્ષ ભાજપના ૬૫ અને વિપક્ષ કોંગ્રેસના ૭ કોર્પોરેટર મળી કુલ ૭૨ કોર્પોરેટર છે. છ કોર્પોરેટરના મતથી શિક્ષણ સમિતિના એક સભ્ય ચૂંટાતા હોય છે, આ મુજબ ભાજપના ૧૧ સભ્ય ચૂંટાય અને કોંગ્રેસના એક સભ્ય ચૂંટાય. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવેએ છેવટ સુધી સસ્પેન્સ રાખ્યા બાદ ફોર્મ રજૂ કરવાના સમયે છેલ્લી ઘડીએ ભાજપના ૧૧ ઉમેદવાર ઉપરાંત બે સરકાર નિયુક્ત પ્રતિનિધિ સહિત કુલ ૧૩ નામ જાહેર કર્યા હતા. જ્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ વિપક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નં.૧૬ના કાર્યકર હાજીભાઇ ઓડિયાનું નામ રજૂ કર્યું હતું.
શાસક પક્ષ ભાજપના બિનહરીફ ૧૧ ઉમેદવારો
(૧) વોર્ડ નં.૩ કપિલભાઇ નથવાણી (લોહાણા) પશ્ચિમ રાજકોટ
(૨) વોર્ડ નં.૮ હર્ષિતભાઇ કાવર (કડવા પટેલ) પશ્ચિમ રાજકોટ
(૩) વોર્ડ નં.૯ વિરેન્દ્રભાઇ ભટ્ટ (બ્રાહ્મણ) પશ્ચિમ રાજકોટ
(૪) વોર્ડ નં.૧૨ યોગરાજસિંહ જાડેજા (ક્ષત્રિય) ગ્રામ્ય રાજકોટ
(૫) વોર્ડ નં.૧૦ હરેશભાઇ કાનાણી (લેઉવા પટેલ) પશ્ચિમ રાજકોટ
(૬) વોર્ડ નં.૩ ડો.તૃપ્તિબેન શુકલ (બ્રાહ્મણ) પશ્ચિમ રાજકોટ
(૭) વોર્ડ નં.૫ કલ્પનાબેન કિયાડા (લેઉવા પટેલ) પૂર્વ રાજકોટ
(૮) વોર્ડ નં.૮ના દ્રુપલબેન (ડોલીબેન) ટાંક ( કડિયા) પશ્ચિમ રાજકોટ
(૯) વોર્ડ નં.૬ના પિન્ટુભાઇ રાઠોડ (ભરવાડ) પૂર્વ રાજકોટ
(૧૦) વોર્ડ નં.૧૪ના કેયુરભાઇ મશરૂ (લોહાણા) દક્ષિણ રાજકોટ
(૧૧) વોર્ડ નં.૭ના પ્રવીણભાઇ ચાવડા (એસ.સી.) દક્ષિણ રાજકોટ
સરકાર નિયુક્ત પ્રતિનિધિ
(૧૨) વોર્ડ નં.૧૬ ડો.નરેન્દ્રભાઇ વિસાણી (બારોટ સમાજ) પૂર્વ રાજકોટ
(૧૩) વોર્ડ નં.૮ કુમારભાઇ શાહ (જૈન વણિક) પશ્ચિમ રાજકોટ
વિપક્ષ કોંગ્રેસના બિનહરીફ ઉમેદવાર
(૧૪) વોર્ડ નં.૧૬ હાજીભાઇ ઓડિયા (પીંજારા) પૂર્વ રાજકોટ
પશ્ચિમમાંથી ૭, પૂર્વમાંથી ૩, દક્ષિણમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧ની પસંદગી કરતો ભાજપ
રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૧ ઉમેદવારો તેમજ બે સરકાર નિયુક્ત પ્રતિનિધિના નામ ભારતીય જનતા પક્ષે કુલ ૧૩ નામ જાહેર કર્યા તેમાં સૌથી વધુ સાત નામ(એક સરકાર નિયુક્ત પ્રતિનિધિ સહિત)ની પસંદગી પશ્ચિમ રાજકોટ વિધાનસભા ક્ષેત્ર હેઠળના વોર્ડ નં.૩, વોર્ડ નં.૮, વોર્ડ નં.૯, વોર્ડ નં.૧૦ અને વોર્ડ નં.૧૧માંથી કરાઇ છે. જ્યારે ત્રણ નામો (એક સરકાર નિયુક્ત પ્રતિનિધિ સહિત)ની પસંદગી પૂર્વ રાજકોટ વિધાનસભા ક્ષેત્રમાંથી કરાઇ છે જેમાં વોર્ડ નં.૫, વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧૬ના ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે નામોની પસંદગી દક્ષિણ રાજકોટ વિધાનસભા હેઠળના વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૧૪માંથી કરાઇ છે તેમજ ગ્રામ્ય રાજકોટ વિધાનસભા હેઠળના વોર્ડ નં.૧૨માંથી એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. આ મુજબ કુલ ૧૩ ઉમેદવારોમાંથી સૌથી વધુ સાત ઉમેદવારો પશ્ચિમ રાજકોટમાંથી, ત્રણ ઉમેદવારો પૂર્વ રાજકોટમાંથી, બે ઉમેદવાર દક્ષિણ રાજકોટમાંથી અને ફ્ક્ત એક ઉમેદવારની ગ્રામ્ય રાજકોટ વિધાનસભા વિસ્તારમાંથી પસંદગી કરાઇ છે.