શહેરમાં રહેતી પીએચડીની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી જેતપુરના ડેડરવા ગામે રહેતા શખસે વારંવાર શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં ગર્ભપાતની ફરજ પાડી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે અંગે યુવતીએ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દુષ્કર્મના આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં નાનામવા સર્કલ પાસેના વિસ્તારમાં રહેતી અને જુનાગઢની યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરનાર 26 વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના ડેડરવા ગામે રહેતા ચિંતન ભરતભાઈ મકવાણાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021 માં આરોપી સાથે કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી પરિચય હતો. જુનાગઢ ખાતે ક્લાસીસમાં આરોપીના બાઈકમાં જતી હતી તે વખતે સાથે ફરવા પણ જતા હતા. વર્ષ 2022માં યુવતી વધુ અભ્યાસ માટે રાજકોટ આવી જતા આરોપી પણ તેને મળવા આવતો હતો.
એક દિવસ આરોપીએ પોતાનું માસ્ટર પૂરું થયા બાદ લગ્ન કરી લેશે તેમ કહ્યું હતું 2023 માં કિશાનપરા ચોકમાં આવેલી હોટલમાં લગ્નની લાલચ આપી પ્રથમ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર બંને હોટલમાં મળતા ત્યારે શરીર સંબંધ બાંધતા હતા જેના લીધે જુલાઈ 2024માં યુવતીને ગર્ભ રહી ગયો હતો જેની જાણ થતા આરોપીએ ગર્ભપાતની દવા મોકલી હતી જેથી તેણે ગર્ભ કઢાવી નાખ્યો હતો. વર્ષ 2025 માં ચોટીલા ફરવા ગયા ત્યારે આરોપીએ માતાજીની સાક્ષીએ પત્ની તરીકે સ્વીકારી સેથો પુર્યો હતો. ત્યારબાદ બહાના બતાવી લગ્ન કરવાનું ટાળતો હતો ચાલુ માસમાં જ અમરેલી પંથકમાં કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરી આરોપીએ તેને એક ગામમાં બોલાવી હતી. જ્યાં પહેલેથી આરોપીના કહેવાથી યુવતીના પરિવારના સભ્યો આવી ગયા હતા તેણે આરોપીને કોલ કરી રાજકોટ બોલાવતા ગોંડલ ચોકડી આવી પોતાને ઘરે લઈ જવાનું કહી તેના પરિવારને સોંપી દીધી હતી.
દરમિયાન યુવતીએ પોતે ઘરેથી નહીં જાય તેની સાથે જશે તેમ કહ્યું હતું તેથી આરોપીએ તેને તેના સંબંધીના ઘરે લઈ ગયો હતો. જ્યાં લગ્ન માટે બે ત્રણ દિવસનો સમય આપવાનું કહ્યું હતું. ગઈ તારીખ 10 ના રોજ આરોપીએ વોટસએપમાં મેસેજ કરી તેની માફી માંગી તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. જેથી યુવતીને પોતાની સાથે દગો થયાનો અહેસાસ થતાં અંતે તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.