ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા તીર્થધામોના રૂટમાં નવી બસો મૂકવામાં આવી રહી છે, તદ્ઉપરાંત તહેવારો નિમિતે ધર્મસ્થાનોના રૂટ ઉપર ટ્રાફિક અનુસાર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પરમ પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવારે રાજકોટથી ઘેલા સોમનાથ અને સોમનાથ રૂટ ઉપર એક્સ્ટ્રા બસ મુકવામાં આવશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે રાજકોટ એસટી બસપોર્ટ ઉપરાંત ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત રાજકોટ એસટી ડિવિઝન હેઠળના તમામ ડેપોના મેનેજરોને શ્રાવણ માસના સોમવાર તેમજ જન્માષ્ટમી સહિતના તહેવારો નિમિતે જરૂરિયાત અનુસાર ડેપો લેવલથી એક્સ્ટ્રા બસ સંચાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. મુસાફર જનતાને એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.