BREAKING NEWS

ભારતના 50 શહેરોની યાદીમાં રાજકોટનો સમાવેશ; સ્વચ્છતા ક્ષેત્રે બનશે મોડેલ સિટી, જાણો મનપાનો આખો પ્લાન

  • September 30, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્વચ્છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના ૫૦ શહેરોની પ્રગતિ-૫૦ પહેલમાં રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત રાજકોટ શહેરને સ્વચ્છતા ક્ષેત્રે મોડેલ સિટી તરીકે વિકસાવવામાં આવશે મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કિર્તીબા રાણાએ જણાવ્યું હતું.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના માનનીય મંત્રી શ્રી મનોહર લાલ દ્વારા તા. 29 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે PRAGATI-50 પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલ હેઠળ દેશના 24 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 50 શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે રોલ મોડેલ શહેર તરીકે વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

PRAGATI-50 હેઠળ પસંદ કરાયેલા શહેરોમાં નિયમિત સ્વચ્છતા કામગીરીથી આગળ વધીને સતત, દેખીતી અને ઉચ્ચ ગુણવત્તાની સ્વચ્છતા વ્યવસ્થા સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવશે. શહેરોમાં સ્વચ્છતા વ્યવસ્થાના પરિણામોને નિર્ધારિત માપદંડો અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગના માધ્યમથી સતત ચકાસવામાં આવશે.


રાજકોટ માટે મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ તક

રાજકોટ શહેરનો PRAGATI-50 અંતર્ગત સમાવેશ થવો એ રાજકોટની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ, આધુનિક અને પરિણામલક્ષી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ તક છે. હવે રાજકોટ શહેરમાં સ્વચ્છતા અંગેની દૈનિક કામગીરીનું વધુ સુવ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરવામાં આવશે તથા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જરૂરી સુધારાઓ અને નવીન પહેલોને ગતિ આપવામાં આવશે.


આ પહેલનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ શહેરને માત્ર સ્વચ્છ શહેર તરીકે નહીં પરંતુ સ્વચ્છતા વ્યવસ્થાપન ક્ષેત્રે દેશના અન્ય શહેરો માટે અનુસરવા યોગ્ય મોડેલ સિટી તરીકે વિકસાવવાનો રહેશે.

રાજકોટ શહેરમાં નીચેના ક્ષેત્રોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

1. કચરામુક્ત શહેર તરફ વધુ મજબૂત પગલાં

શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો એકત્ર કરવાની, પરિવહન કરવાની તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રક્રિયા કરવાની સમગ્ર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવશે.

2. ઘન કચરાનું વૈજ્ઞાનિક સંચાલન

સોર્સ સેગ્રેગેશન, કચરાનું પ્રોસેસિંગ, રિસાયક્લિંગ, રિસોર્સ રિકવરી તથા કચરામાંથી ઉપયોગી સંસાધનોના પુનઃપ્રાપ્તિ પર ભાર મૂકવામાં આવશે.


3. વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન

Used Water Management અંતર્ગત ગંદા પાણીના યોગ્ય સંચાલન, ટ્રીટમેન્ટ અને પુનઃઉપયોગની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.


4. દેખીતી સ્વચ્છતા

મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજારો, રહેણાંક વિસ્તારો, જાહેર સંકુલો તથા અન્ય સ્થળોએ સતત અને અસરકારક સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કામગીરીનું વધુ સઘન મોનિટરિંગ કરવામાં આવશે.


5. સેનિટેશન વ્યવસ્થા

શહેરની સેનિટેશન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેરી વાતાવરણ ઊભું કરવા કામગીરી કરવામાં આવશે.


6. સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન

કચરાને માત્ર નિકાલની વસ્તુ તરીકે નહીં પરંતુ ઉપયોગી સંસાધન તરીકે જોવાની દિશામાં રિયૂઝ, રિસાયક્લિંગ, રિસોર્સ રિકવરી અને Waste-to-Wealth જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં આવશે.

7. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ

નવી ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોના ઉપયોગથી સ્વચ્છતા કામગીરીનું દૈનિક મોનિટરિંગ, કામગીરીની સમીક્ષા તથા જરૂરી સ્થળે ઝડપી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

8. નાગરિકોની ભાગીદારી

સ્વચ્છતા માત્ર મહાનગરપાલિકાની જવાબદારી નહીં પરંતુ નાગરિકોની સહભાગિતાથી સફળ બનતું જનઆંદોલન છે. તેથી નાગરિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જનજાગૃતિ તથા ભાગીદારી આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application