BREAKING NEWS

ભારતનું હોટેસ્ટ સિટી બન્યું રાજકોટ, 39.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર, જાણો ગુજરાતના અન્ય શહેરોનું તાપમાન

  • October 13, 2026 09:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસાની વિદાય પછી ઓક્ટોબરમાં સામાન્ય રીતે ગરમીમાંથી રાહત મળવાની આશા હોય છે, પરંતુ રાજકોટમાં ઉનાળાની યાદ અપાવે એવી ગરમી પડી રહી છે. સોમવાર, ૧૨ ઓક્ટોબરે શહેરમાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આકરી ગરમીને કારણે બપોરના સમયે શહેરના માર્ગો પર નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને તાપનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩.૫ ડિગ્રી વધુ નોંધાયું હતું. ઓક્ટોબર મહિનામાં રાજકોટનું સામાન્ય મહત્તમ તાપમાન આશરે ૩૬.૩ ડિગ્રી રહે છે, તેની સામે પારો લગભગ ૪૦ ડિગ્રી સુધી પહોંચી જતાં બપોરે આકરો તાપ અનુભવાયો હતો. જોકે રાત્રે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. શહેરનું લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું.

ગુજરાતનાં અન્ય શહેરોની સરખામણીમાં પણ રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. પોરબંદરમાં ૩૮.૬ ડિગ્રી, ડીસામાં ૩૮.૮ ડિગ્રી, ભુજ અને વેરાવળમાં ૩૮.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડિગ્રી તથા અમદાવાદમાં ૩૬.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને અમદાવાદ વચ્ચે મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો તફાવત રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજકોટમાં દિવસનું મહત્તમ તાપમાન ૩૮થી ૩૯ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની ધારણા હોવાથી બપોરની ગરમીમાંથી તાત્કાલિક મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે. જોકે રાત્રે અને વહેલી સવારે તાપમાન ૨૪થી ૨૫ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application