સુરેન્દ્રનગર જિલ્લાના નિવૃત આર્મીમેન અને ગુજસીટોકના આરોપી મહાવીરસિંહ સિંધવના પોલીસમેન ભાઈ અને પિતાને વ્યાજખોરોએ ધમકી આપી પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી. તારા ભાઈ મહાવીરસિંહને અમે રૂ. 1.35 કરોડ વ્યાજે આપેલ હતા, તે રૂપિયા તારે અમને પરત આપવા પડશે નહીંતર તને અને તારા બાપને કોઈક બિલ્ડીંગ પર લઇ જઈ તારા ભાઈની જેમ નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી દેશું તેવી ધમકી વ્યાજખોરોએ આપી હતી. સમગ્ર મામલે એલઆરડી જવાને પ્ર.નગર પોલીસ મથકે વ્યવાજખોર બેલડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામના વતની અને હાલ રાજકોટ શહેરના રેસકોર્સ રીંગ રોડ પર સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવ(ઉ.વ.૩૧) એ આરોપી તરીકે રાજા હરજીભાઇ રાતડિયા (રહે. ચોકડી, ચુડા, સુરેન્દ્રનગર) અને રમેશ ઉર્ફે ચોટી કુંમરાભાઈ વરૂ (રહે. સુરેન્દ્રનગર) ના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અનાર્મ લોકરક્ષક તરીકે અઢી વર્ષથી ફરજ બજાવે છે. બે ભાઈઓ પૈકી તેમના મોટાભાઇ મહાવીરસિંહ અમદાવાદ ખાતે રહેતા હતા, તેમનું ગઇ તા.૦૯/૦૬/૨૦૨૬ ના રોજ અવસાન થયું છે. માતા-પીતા ચોકડી મુકામે ખેતીકામ કરે છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૦૯/૦૬/૨૦૨૬ ના રોજ તેમના મોટાભાઈ મહાવીરસિંહનું અમદાવાદ ખાતે તેમના રહેણાંક ફ્લેટ ખાતે ચોથા માળેથી નિચે પટકાવવાથી અવસાન થયેલ હતું. જેમનું બેસણું તા. ૧૩/૦૬/૨૦૨૬ ના રોજ રાખેલ હતુ. આ વખતે બેસણામાં ગામના રાજાભાઈ હરજીભાઇ રાતડીયા અને તેની સાથે રમેશભાઇ ઉર્ફે ચોટી કુંમરાભાઈ વરૂ તથા અન્ય ત્રણ અજાણ્યા માણસો આવ્યા હતા. રાજાભાઇએ ફરિયાદીના પીતાને ઘરની બહાર બોલાવ્યા હતા. ત્યારે યુવાન પણ પીતા સાથે ઘરની બહાર રાજાભાઈ પાસે ગયો હતો. ત્યારે રાજાભાઈ રાતડીયા તથા રમેશભાઇ ઉર્ફે ચોટીએ યુવાનના પિતાને કહ્યું કે, અમે તમારા દિકરા મહાવીરસિંહને રૂ.૧.૩૫ કરોડ વ્યાજે આપ્યા હતા, જે રૂપીયા અમારે લેવાનાં બાકી છે. જેથી યુવકના પિતાએ રાજાભાઈ રાતડીયા તથા રમેશભાઈ ઉર્ફે ચોટીને કહ્યું હતું કે, મારા દિકરાએ અમને કોઇ દિવસ તમારી પાસેથી વ્યાજથી રૂપીયા લીધેલ હોય તેવી વાત કરી નથી, તેમજ મહાવિરસીંહ સાથે છેલ્લા ચાર વર્ષથી અમારે કોઇ સબંધ નથી. ત્યારે રાજા રાતડીયા તથા રમેશ ઉર્ફે ચોટીએ કહેલ કે, અમે મહાવિરસિંહને આપેલ રૂપીયા તમારે બાપ-દિકરાએ આપવા જ પડશે કહી જતાં રહ્યા હતા.
ગઇ તા.૨૭/૦૬/૨૦૨૬ નાં રોજ સાંજનાં સાડા સાત વાગ્યે રાજા રાતડીયાનો યુવાનને ફોન આવ્યો હતો કે, તારા ભાઇ મહાવિરસિંહને આપેલ રૂપીયા બાબતે આપણે કયારે મળવુ છે ? જેથી યુવાને કહ્યું હતું કે, મારા ભાઈ મહાવિરસિંહને તમે આપેલ રૂપીયા બાબતે હું કાંઈ જાણતો નથી, તમારે રૂપીયા બાબતે મને ફોન કરવો નહીં. ત્યારે રાજા રાતડીયાએ કહ્યું હતું કે, તારા ભાઇને આપેલ રૂપીયા તારે તો આપવા જ પડશે, તું રૂપીયા નહીં આપે તો તારો ભાઇ જેમ બિલ્ડીંગમાંથી પડીને મરી ગયેલ હતો, તેવી જ રીતે તને અને તારા બાપને પણ કોઇ બિલ્ડિંગ ઉપર લઇ જઈને નીચે ફેંકીને મારી નાખીશુ તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા.
બાદ ગઇ તા.૦૪/૦૭/૨૦૨૬ ના ફરી ફોન કરી બંનેએ કહ્યું હતું કે, સીધી રીતે રૂપીયા આપી દેજો નહીં, તો અમારી પાસે રૂપીયા કઢાવવાનાં ઘણા રસ્તા છે, તું અમને હજુ ઓળખતો નથી, અમારા વિશે ગામમાં કોઇને પુછી લેજે કહી ગર્ભીત ધમકી આપી હતી. જેથી અંતે આ ફરિયાદ નોંધાવી છે.