રાજકોટ મહાપાલિકા દ્વારા પશ્ચિમ રાજકોટના ગૌરવપથ કાલાવડ રોડ અને ન્યૂ રિંગ રોડ જંક્શન ખાતે કટારીયા ચોકમાં રૂ.૧૬૭ કરોડના ખર્ચે નિર્માણાધિન આઇકોનિક કેબલ સ્ટેડ ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તા.૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ થયાને હાલ સપ્ટેમ્બર-૨૦૨૬માં ૧૭ મહિના પૂર્ણ થયા છે અને વર્ક પ્રોગ્રેસ ૫૧ ટકા છે. આ સ્થિતિ જોતા પ્રોજેક્ટ ૩૦ માસની સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવી શક્યતા નહીંવત જણાય રહી છે.
દરમિયાન એવું સામે આવ્યું છે કે રાજકોટ મહાપાલિકા અને આર.એન્ડ બી.વિભાગ વચ્ચે સંકલનના અભાવે બ્રિજ પ્રોજેક્ટ અંતર્ગત લેવા પાત્ર થતી વિવિધ વચગાળાની મંજૂરીઓ સમયસર મળતી ન હોય પ્રોજેક્ટનું કામ ધીમું ચાલી રહ્યું છે. આ બ્રિજ પ્રોજેક્ટની કોન્ટ્રાકટર એજન્સીને મહાપાલિકા દ્વારા પ્રોજેક્ટના વિવિધ તબક્કે સમયાંતરે કુલ છ નોટિસ ફટકારીને કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા તાકિદ કરાઇ છે.
હાલ સપ્ટેમ્બર-૨૦૨૬ના પ્રારંભે પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૧૮ પીએસસી ગર્ડર પૈકી ૧૧૩ ગર્ડરનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ કામગીરીમાં ૯૫.૭૬ ટકા પ્રગતિ નોંધાઈ છે તેમજ કુલ ૨૬ ડેક સ્લેબ પૈકી ૧૨ ડેક સ્લેબનું કામ પૂર્ણ થયું છે. પાઇલ તથા પાઇલ કેપની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. યુ-ટાઇપ રીટેઈનીંગ વોલના રાફ્ટમાં ૭૫.૫૮ ટકા તથા વોલમાં ૬૭.૬૮ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. પ્રોજેક્ટની સમયસૂચક સ્થિતિ જોઇએ તો પ્રોજેક્ટની કામગીરી માટે નિર્ધારિત સમયમાંથી ૬૪.૦૯ ટકા સમય પસાર થયો છે, જ્યારે ૩૫.૯૧ ટકા સમય બાકી છે. માઇલ સ્ટોન-૩ મુજબ ૭૫ ટકા પ્રગતિના તબક્કા માટે ૬૮૪ દિવસનો સમયગાળો નિર્ધારિત છે. હાલની ફિઝિકલ પ્રોગ્રેસ ૫૧ ટકા છે. આ પ્રોજેક્ટ તેના નિર્ધારિત સમય તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા નહીંવત છે.
પ્રોજેક્ટની પ્રગતિ ઉડતી નજરે
-ખાતમુહૂર્ત થયાની તા.૨૬.૩.૨૦૨૫
-કુલ ફિઝિકલ પ્રોગ્રેસ: ૫૧ ટકા
-કુલ ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ: ૪૫.૮૭ ટકા
-કુલ ૨૬ ફાઉન્ડેશનનું કામ: ૧૦૦ ટકા પૂર્ણ
-કુલ ૨૬ પિયર્સ,એબ્યુમેન્ટ્સ વર્ક:૧૦૦ ટકા પૂર્ણ
-કુલ ૨૬ પિયર્સ કેપનું કામ: ૧૦૦ ટકા પૂર્ણ
-પીએસસી ગર્ડર વર્ક: ૯૫.૭૬ ટકા પૂર્ણ
-એક્સકેવેશન વર્ક: ૭૭.૪૮ ટકા પૂર્ણ
-વાઇડનિંગ બોક્સ ક્લવર્ટ: ૭૮.૩૦ ટકા પૂર્ણ
-કામ પૂર્ણ થવાની તા.૨૪.૧.૨૦૨૮
દરરોજ ૭૮,૮૪૯ વાહનોની અવરજવર
પ્રતિ દિવસ ૭૮,૮૪૯ વાહનોની અવરજવર
પ્રતિ દિવસ પીસીયુ ૬૬,૪૫૯
પીસીયુનો મતલબ શું થાય..?
પીસીયુ એટલે પેસેન્જર કાર યુનિટ. એક કારને ૧ ગણવામાં આવે અને બીજા વાહનોને તેની સરખામણીએ ગણવામાં આવે.
ઉપરોક્ત એવરેજ પીસીયુ ફેક્ટર = ૬૬,૪૧૯/ ૭૮,૮૪૯ = ૦.૮૪ આવે છે.
પી.સી.યુ.ની સંખ્યા વાહનો કરતા ઓછી છે, એનો મતલબ કે રોડ ઉપર ટુ-વ્હીલર (બાઈક, સ્કુટર)નું પ્રમાણ ખુબ જ વધારે છે.* કારણ કે ટુ-વ્હીલરનો પીસીયુ ૦.૫ ગણાય છે.
આઇ.આર.સી મુજબ પી.સી.યુ. વેલ્યુ:
-ટુ-વ્હીલર: ૦.૫
-કાર/ઓટો: ૧.૦
-બસ/ટ્રક: ૩.૦