BREAKING NEWS

રાજકોટની ઝનાના હોસ્પિટલે ગુજરાતના સૌથી નાના ચાંદીપુરાગ્રસ્ત બાળકને સ્વસ્થ કર્યું, ચાર દિવસ સુધી બેભાન રહી હતી

  • August 05, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં 15 વર્ષથી નાના બાળકોમાં જોવા મળતા ચાંદીપુરા વાયરસને લઈને અનેક માસુમ બાળકોએ હંમેશા માટે આંખ મીંચી લીધી છે તો કેટલાક બાળકો સઘન સારવાર બાદ સ્વસ્થ બન્યા છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ક્રિટિકલ સ્થિતિમાં દાખલ કરવામાં આવેલી ચાંદિપુરા પોઝિટિવ 3 મહિનાની બાળકીને તબીબો દ્વારા આપવામાં આવેલી 17 દિવસની સઘન સારવાર અને નર્સીંગ સ્ટાફની કેર બાદ સ્વસ્થ બનતા આજે તેમના માતાના ખોળામાં કિલકિલાટ કરતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈ પીડિયાટ્રિક વિભાગના તબીબો પણ પોતાની સફળ સારવારનો હર્ષ અનુભવી રહ્યા હતા.


ગોંડલના પાંચિયાવદર ગામે વાડી વિસ્તારમાં માટીનું ઘર બનાવીને રહેતા અને ખેત મજૂરી કરી પેટિયું રડતા શ્રમિક પરિવારની ત્રણ મહિનાની બાળકીને તા.18જુલાઈના આંચકી આવ્યા બાદ ઝાડા થઇ જતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબને ચાંદિપુરાના લક્ષણો જણાતા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. તા.19ના ઝનાનાના પીડિયાટ્રિક વિભાગના આઇસીયુમાં દાખલ કરવામાં આવતા બાળકી બેભાન હાલતમા હોવાથી તબીબોની ટીમે તેના ધબકારા તપાસ કરતા લોહીનું પરિભ્રમણ બંધ થયાનું જોવા મળ્યું હતું. આથી તાકીદે વેન્ટિલેટર ઉપર લઈ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાઈડોઝ દવાઓ, ઇન્જેક્શન આપ્યા બાદ બાળકીના ધબકારા શરૂ થયા હતા અને ત્રણ દિવસ બાદ બાળકી કોમામાંથી બહાર આવી હતી. શ્વાસોશ્વાસની પ્રકિયા ધીમી હોવાથી બાળકીને સતત આઠેક દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખી તમામ જરૂરી નિદાન કરવામાં આવ્યા હતા આ દરમિયાન ગાંધીનગર લેબમાંથી આવેલો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તબીબોએ એ મુજબ જરૂરી સારવાર અને કેર શરૂ કરી હતી અને 17 દિવસના અંતે ગઈકાલે તમામ જરૂરી રિપોર્ટ કરાવતા બાળકી ભયમુક્ત હોવાનું જોવા મળતા આજે સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

એક સમયે આંખ મીંચેલી માસુમ દીકરીને જોઈ માતા-પિતા પણ હિંમત હારી ગયા હતા ત્યારે રાજકોટ ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબોની ટીમની મેડિકલી કુનેહ સાથેની મહેનતે માસુમ બાળકીને નવ જીવન આપવાની સાથે પરિવારની આશા પણ જીવંત કરી હતી.​​​​​​​

આ તબીબો અને નર્સીંગ કર્મીઓની મહેનતથી બાળકીનો કિલકિલાટ ફરી ગુંજ્યો

ત્રણ મહિનાની બાળકીનો કિલકિલાટ ફરી તેની માતાની ગોદમાં થવા પાછળ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાનો સહયોગ, પીડિયાટ્રિક વિભાગના વડા ડો.પંકજ બુચનું માર્ગદર્શન, એસો.પ્રોફેસર ડો.પલક હાપાણી, ડો.આરતી મકવાણાના ઓબ્ઝર્વેશન હેઠળ ડો.મનાલી વીરપરિયા, ડો.મૌલિક કણસાગરા, ડો. કુલદીપ દેત્રોજા, ડો.જૈનિલ પટેલ, ડો.કેવિન ઘાટોડીયા, ડો,ચેતન ભલગામડિયાની ટીમે સઘન સારવાર આપી હતી તેમજ નર્સીંગ વિભાગના ઇન્ચાર્જ કીર્તિબેન યાદવ, તૃપ્તિબેન પટેલની દેખરેખ હેઠળ નર્સીંગ કર્મી પ્રવિણાબેન વાછાણી, ભારતીબેન ધ્રાંગા, કોમલ ઘેડીયા, દાનિશ ગોહેલ અને ક્લાસ-4ના અમૃતાબેન ઉભડીયા, લલીતાબેન રેસિયા દ્વારા કેરિંગ રહ્યું હતું.


હાલમાં બે બાળકો સારવાર હેઠળ: સારવાર અને કેરિંગ બાબતે કોઈ બાંધછોડ નહીં

ચાંદિપુરા વાયરસને લઈને બાળકોની સારવાર અંગેની માહિતી આપતા પીડિયાટ્રિક વિભાગના વડા ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, હાલમાં બે બાળકો પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે, જેમાં એક બાળક જૂનાગઢનું અને એક રાજકોટ જિલ્લાનું છે, બંને બાળકોના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, બાળકોની સ્થિતિમાં એક બાળક વેન્ટી ઉપર છે જયારે અન્ય એક બાળક ભયમુક્ત હોવાનું ઉમેર્યું હતું, સાથે વધુમાં જણાવ્યું હતું કે, પીડિયાટ્રિક વિભાગમાં 25 બેડ સાથેનો આઇસીયુ વિભાગ તૈયાર છે જેમાં વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને માત્ર બે બેડ ઉપર એક નર્સીંગ સ્ટાફને મુકવામાં આવ્યા છે જેના કારણે સારવારની સાથે કેરિંગ પણ સારી રીતે થઇ શકે છે.


આ કેસ અમારા માટે પણ ચેલન્જીંગ હતો: ડો.પલક હાપાણી

કેસના અમારા માટે ચેલેન્જિંગ હોવાનું પીડિયાટ્રિક વિભાગના એસો.પ્રોફેસર ડો.પલક હપાણીએ જણાવતા કહ્યું હતું કે, ત્રણ મહિનાની બાળકીને ઝનાના હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે બેભાન અવસ્થામાં હોવાથી આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી અને સારવાર શરૂ કરી હતી. નિદાન દરમિયાન બાળકીમાં ચેપનું પ્રમાણ પણ વધુ હોવાથી આ સ્થિતિ જોઈ અમે પણ શોકિંગ હતા કે, આટલી નાની બાળકીની રોગ પ્રતિકારક શક્તિ પણ નહિવત હોવાથી દવાઓ અને રિકવરી પણ કઠિન છે, પરંતુ દ્રઢ મનોબળ અને વિભાગના વડા ડો.પંકજ બુચના માર્ગદર્શનથી અમારી ટીમે આ કેસમાં સફળતા હાંશિલ કરી છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application