BREAKING NEWS

અમદાવાદીઓનું ટેન્શન વધ્યું: 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, રાજકોટ સહિત 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

  • July 31, 2026 06:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. આગામી સમય માટે અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૬ જેટલા જિલ્લાઓમાં 'અતિ ભારેથી અતિ ભારે' વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના આ નાઉકાસ્ટ બુલેટિને અમદાવાદીઓ અને સ્થાનિક વહીવટી તંત્રનું ટેન્શન વધારી દીધું છે.


અમદાવાદ સહિત આ ૬ જિલ્લામાં અતિ ભારે વરસાદનું 'રેડ એલર્ટ'

હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નાઉકાસ્ટ હેડ હેઠળ આપવામાં આવેલી આ ચેતવણી બાદ સંબંધિત જિલ્લા તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે, આગાહી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં તો સવારથી જ તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે. સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન છોટા ઉદેપુરના વિસ્તારોમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન વધુ બે ઈંચ વરસાદ ખાબકતાં માત્ર ચાર કલાકમાં જ કુલ સાડા ચાર ઈંચ જેટલો આંકડો નોંધાઈ ચૂક્યો છે.


૧૨ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ': શાળાઓમાં રજા અને સેના ખડેપગે

બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યના અન્ય ૧૨ જિલ્લાઓમાં પણ 'ભારેથી અતિ ભારે' વરસાદની સંભાવના વ્યક્ત કરીને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે.


રાજ્યમાં સર્જાયેલી આ પૂરી સ્થિતિ અને તોફાની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે ગઈકાલથી જ અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. કોઈપણ ઈમરજન્સી કે આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય આર્મી અને NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application