જામનગરમાં છેલ્લા બે અઠવાડીયાથી વાદળીયું વાતાવરણ રહે છે, ભેજ વધુ હોવાના કારણે બપોરના ભાગમાં ગરમી રહે છે ત્યારે આજે સવારે પણ શહેર અને આજુબાજુના ગામડાઓમાં વાદળો છવાયા હતાં, જો કે સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા ગરમીમાં થોડી રાહત થઇ હતી, ખેડુતોએ પણ ઓજારો સજાવીને ધીરે-ધીરે વાવણી કાર્ય શરૂ કર્યુ છે.
કેટલાક ગામોમાં ધીરે-ધીરે પીવાના પાણીની તંગી શરૂ થઇ ચૂકી છે, જો કે જામનગર શહેરમાં જુલાઇના અંત સુધી ચાલે તેટલું પાણી છે ત્યારે શહેરમાં સતત બફારો રહે છે, આખો દિવસ વાદળા છવાય છે, પરંતુ વરસાદ આવતો નથી અને બફારો વધતો જાય છે ત્યારે આજે ૧૧ વાગ્યે હવામાન વિભાગે દેવભુમિ દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે જયારે જામનગર જિલ્લાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૪.૫ ડીગ્રી, હવામાં ભેજ ૯૧ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જામનગર શહેરમાં આજ સવારથી વાદળો છવાયા છે, મળતા અહેવાલો મુજબ ગામડાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે, વરસાદી વાતાવરણ થવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે.
અસહ્ય ગરમીને કારણે ખેડુતોને પણ ખેતી કામમાં મુશ્કેલી પડી હતી, કાલાવડ, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં પણ આજ સવારથી ભારે ગરમી જોવા મળી હતી, જો કે ગઇકાલે સાંજે ૩૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રાત્રે ગરમીથી રાહત થઇ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર રાજેશ તન્ના અને જામનગરના કલેકટર કેતન ઠકકર દ્વારા અધિકારીઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે.