સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ ખરીફ સીઝનમાં ઓછા અને અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતો ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોની આ કટોકટીભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પંચાયતના મોવીયાના સદસ્ય આરતીબેન જેતાણીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવીને તાત્કાલિક યોગ્ય રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, અપૂરતા વરસાદને કારણે ખેડૂતો પર આર્થિક દેવાનો બોજ વધી ગયો છે. આ સાથે જ ખેતી સાથે સંકળાયેલા ખેતમજૂરોને પૂરતું કામ ન મળતા તેમની આજીવિકા જોખમાઈ છે. બીજી તરફ, પશુપાલકો માટે લીલા તથા સૂકા ઘાસચારા તેમજ પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે. મોવિયાના સદસ્યએ પત્ર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરેલી માંગણીઓમાં 1. ચાલુ ખરીફ સીઝનમાં થયેલા પાક નુકસાનના વળતર પેટે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મયર્દિામાં આપવામાં આવે. 2. પશુપાલકો માટે પૂરતા પ્રમાણમાં લીલો-સૂકો ઘાસચારો અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાય. 3. ખેતમજૂરોને રોજગારી અને આર્થિક રાહત આપવા માટે પ્રતિદિન રૂ. 500ના દરે 200 દિવસનું વળતર ચૂકવવામાં આવે. 4.
ખેડૂતો આગામી વર્ષ સુધી પોતાનું જીવનનિવર્હિ ચલાવી શકે તે માટે યોગ્ય આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે. 5. આગામી વર્ષે ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે તમામ ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય મળે. 6. અન્ય રાજ્યોની જેમ ગુજરાતના તમામ પાત્ર ખેડૂતોનું ખેતીવિષયક દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. 7. અગાઉ બેંક લોન નિયમિત રીતે ભરપાઈ કરનાર ખેડૂતોને તેમણે ભરેલી રકમના પ્રમાણમાં યોગ્ય આર્થિક રાહત કે સહાય આપવામાં આવે. 8.
ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બેંકો દ્વારા લોનની વસૂલાત માટે કરવામાં આવતી અદાલતી કે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક અસરથી ખેંચી લેવામાં અથવા સ્થગિત કરવામાં આવે. 9. સંયુક્ત ખેડૂત ખાતેદાર તરીકે જમીન ધરાવતી વિધવા મહિલાઓની બંધ કરવામાં આવેલી વિધવા સહાય પુન: ચાલુ કરવામાં આવે, જેથી તેમને આર્થિક આધાર મળી રહે. 10.
આગામી ખેતી માટે મૂડીની અછત ન સર્જાય તે માટે રૂ. 5 લાખ સુધીનું નવું ખેતીવિષયક ધિરાણ વ્યાજમુક્ત અથવા અત્યંત રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવે. અંતમાં, આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર દિવાળી પહેલાં ચૂકવવામાં આવે અને આ અંગે થયેલી કાર્યવાહીની લેખિતમાં ટૂંક સમયમાં જાણ કરવામાં આવે.