નોટીફાઇડ વિસ્તારમાં કાયદાનું ઉલ્લંઘન કરી મકાનોની લે–વેચથી રહીશોમાં ભારે આક્રોશ
નોટીફાઇડ વિસ્તારમાં કાયદાનું ઉલ્લંઘન કરી મકાનોની લે–વેચથી રહીશોમાં ભારે આક્રોશ
July 22, 2026 02:43 PM
રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૬ હેઠળ આવેલા કોઠારિયા મેઈન રોડ સ્થિત ન્યૂ કેદારનાથ સોસાયટીના રહિશોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી નોટિફાઈડ એરિયા કાયદાનું કડક પાલન કરાવવા તેમજ સોસાયટીના રેગ્યુલરાઈઝેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. રહીશો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા આ વિસ્તારમાં અશાંતધારા લાગુ કરવામાં આવ્યો હોવા છતાં કેટલાક લોકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને મકાનોની ખરીદી-વેચાણ કરવામાં આવી રહી છે. સોસાયટીના રહિશોના જણાવ્યા મુજબ અમુક ચોક્કસ ધર્મના વ્યક્તિઓને પણ મકાનો વેચવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. તેમ છતાં કેટલાક મિલકત એજન્ટો દ્વારા અમુક રહીશોને ગેરમાર્ગે દોરીને મકાનોના સોદા કરાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રહિશોએ ન્યૂ કેદારનાથ અને ન્યૂ સાગર સોસાયટી વચ્ચે આવેલા ૪૦ ફૂટ રોડ પર તેમજ ન્યૂ કેદારનાથ સોસાયટીના શેરી નં. ૬માં થયેલા કેટલાક મકાન વેચાણના કરારો રદ કરવાની માંગ પણ કરી છે. સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા સંબંધિત વેરા બિલો પણ રજૂઆત સાથે જોડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક નોટરી અને વકીલો પણ અશાંતધારા કાયદાનું ઉલ્લંઘન કરીને આવા કરારો કરી રહ્યા છે. તેથી આવા કરારો પર રોક લગાવવા સંબંધિતોને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત આશરે ૩૫ વર્ષ જૂની ન્યૂ કેદારનાથ સોસાયટીનું વહેલી તકે રેગ્યુલરાઈઝેશન કરવામાં આવે અને બંને મુદ્દાઓ પર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમગ્ર સોસાયટીના રહિશોએ જિલ્લા કલેક્ટર સમક્ષ કરી છે. રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાયદાકીય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. તેમજ જો કોઈએ કાયદાનું ઉલ્લંઘન કર્યું જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવુ જણાવાયું છે.