રાજકોટ જિલ્લામાં મહેસૂલી વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માગ સાથે ‘વર્ક ટુ રૂલ’ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનના પ્રથમ તબક્કામાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર પહોંચ્યા હતા. લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ આગામી સમયમાં વહીવટી પ્રક્રિયા અસરગ્રસ્ત થવાના સંકેત મળી રહ્યા છે.સમગ્ર ગુજરાતમાં મહેસુલી કર્મચારીઓએ પોતાની માગણીઓને લઈને આજથી અનોખો વિરોધ શરૂ કર્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ વિરોધ પાછળના મુખ્ય કારણોમાં જોબ ચાર્ટમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી, કર્મચારીઓને સોંપાતી કામગીરી અને તેમની જવાબદારીમાં સ્પષ્ટતા કરવી સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે કામગીરીની જવાબદારીમાં વધારો થતો જાય છે, પરંતુ તેની સામે જરૂરી સ્પષ્ટતા અને સુવિધાઓના અભાવે કર્મચારીઓ પર વધારાનું ભારણ પડી રહ્યું છે. ‘વર્ક ટુ રૂલ’ અંતર્ગત કર્મચારીઓ નિયમો અને નિયત કાર્યપદ્ધતિ મુજબ જ કામગીરી કરવાનો અભિગમ અપનાવી રહ્યા છે. આ અંગે આજે ફરી એક વખત સંબંધિત સત્તાધીશ સમક્ષ રજૂઆત કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. કર્મચારીઓનું કહેવું છે કે પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તો આંદોલનને આગળ વધારવાની જરૂર નહીં રહે. જો રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બને તેવી શક્યતા છે. મહેસૂલી વિભાગની કામગીરીમાં રોજબરોજની વહીવટી પ્રક્રિયા સાથે પ્રજાને લગતા અનેક મહત્વપૂર્ણ કામો સંકળાયેલા હોવાથી કર્મચારીઓના આંદોલનની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને અરજીઓ, પ્રમાણપત્રો, જમીન સંબંધિત કામગીરી સહિતની વહીવટી પ્રક્રિયા પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આથી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવી કામગીરી રાબેતા મુજબ જળવાઈ રહે તે જરૂરી બન્યું છે.