સાયબર ચીટરો લોકોના એકાઉન્ટ ખાલી કરવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે હવે લગ્નની કંકોત્રી મોકલી ફ્રોડ કરવાના બનાવ વધી રહ્યા છે. લગ્નની કંકોત્રીની એપીકે ફાઇલ ખોલતા જ રાજકોટના કન્ટ્રક્શન ધંધાર્થીના ૫.૮૪ લાખ ઉપડી ગયા હતાં. રાજકોટના સમાજસેવીનો ફોન હેક કરી હાથીખાનામાં રહેતાં આધેડને એપીકે ફાઇલ સેન્ડ કરી હતી. તેઓએ ફાઇલ ખોલતા જ એકાઉન્ટ સાફ થઇ ગયું હતું.
રાજકોટમાં કેનાલ રોડ પર હાથીખાનામાં રહેતાં મનીષભાઇ મુળજીભાઈ ઢોલરીયા (ઉ.વ.૪૮) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભાવનગર રોડ પર માંડા ડુંગરમાં સરદા૨ પેટ્રોલીયમ પાસે જમીન તથા મકાન લે-વેચનો વ્યવસાય કરે છે. વધુમાં કન્સ્ટ્રકશનનો વ્યવસાય પણ સાથે કરે છે. એકાદ મહીના પહેલા મિત્ર વસંતભાઇ (સદભાવના વાળા) દ્વારા તેઓના વ્હોટ્સએપ મોબાઇલ નંબર પરથી તેઓના વોટ્સએપ નંબર પર એક વેડિંગ ઇન્વીટેશન નામથી એપીકે ફાઇલ મોક્લેલ ત્યારે તેઓએ તે ફાઇલ ઓપન કરી જોતા તેમા કોડિંગ આંકડાઓ દેખાતા હતા. જેથી તે ફાઇલ બંધ કરી ડિલીટ કરી નાખી હતી.
દરમિયાન ગઇ તા. ૧૩/૦૯ ના રોજ તેઓના બેંક એકાઉન્ટમાંથી તેઓની જાણ બહાર અલગ અલગ ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૫,૮૪,૯૯૯ જેટલી રકમ ઉપડી જવાના ફોનમાં મેસેજ આવતા તેઓના ધ્યાનમાં આવેલ કે, તેઓની જાણ બહાર કોઈ અજાણી વ્યક્તીએ બેંક ખાતામાથી રૂપીયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે.
આ વ્યવહાર પોતે કરેલ ન હતો તેમજ કોઇ અજાણ્યા વ્યક્તિને મરજીથી રકમ ટ્રાન્સફર કરવાની મંજુરી આપેલ ન હતી. જેથી શંકા થયેલ કે ઉપરોક્ત એપીકે ફાઇલ મારફતે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની સાથે સાયબર છેતરપિંડી કરેલ હોઇ શકે છે. ત્યારબાદ એપીકે ફાઇલ મોકલનાર મારા મિત્ર વસંતભાઇ (સદભાવના વાળા) ને ફોન કરી આ ફાઇલ બાબતે પુછતા જણાવેલ કે, મારો ફોન હેક થઇ ગયેલ હતો અને મારા બધા વ્હોટ્સએપના કોન્ટેક્ટ નંબરમાં આ એપીકે ફાઇલ ઓટોમેટીક સેન્ડ થઇ ગઇ હતી. જે બાબતે તેઓએ પણ ફરિયાદ કરી છે. બાદમાં આ અંગે મનીષભાઇએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.ડી.ફુલતરીયા અને ટીમે તપાસ શરૂ કરી છે.
એન્જિનિયર યુવકના એકાઉન્ટમાંથી ૧.૬૮ લાખ બારોબાર ટ્રાન્સફર થયા
પડધરીના ઇશ્વરીયા ગામ રહેતાં મૂળ જસદણના વતની ધવલભાઇ પ્રવિણભાઈ ડોબરીયા (ઉ.વ. ૩૩) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે પડધરી એસન્ટ એન્જી. કંપનીમાં નોકરી કરે છે અને બી.ઈ. ઇલેક્ટ્રીકલ સુધી અભ્યાસ કરેલ છે.
ગઈ તા.૨૧ ના રાત્રીના બે વાગ્યાના આસપાસ મોબાઇલમાં મેસેજ આવેલ જેમાં તેમના બેંક એકાઉન્ટમાં કુલ અલગ અલગ ૦૩ ટ્રાંજેકશન થયેલ હતા. જે ત્રણેય ટ્રાંજેક્શનથી કુલ રૂ.૧,૬૮,૭૦૦ એક્સિસ બેંકના ખાતામાં જમા થયેલ છે. જેથી યુવકે તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર-૧૯૩૦ ઉપર ફોન કરીને કમ્પ્લેઇન લખાવેલ હતી. તેમજ ફોનમાં કોઈ સોશ્યલ મિડીયાના માધ્યમથી કોઈ ફ્રોડ હાઇડ એપ્લીકેશન કે અન્ય કારણોસર મોબાઇલ હેક કરી અજાણ્યા હેકર્સ દ્વારા ખાતામાંથી ૦૩ ટ્રાન્જેકશન કરીને ઓનલાઇન ફ્રોડ કરતાં ફરીયાદ નોંધાવી હતી.