ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં મોટો લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ દૈનિક મુસાફર પાસ યોજના હેઠળ આપવામાં આવતી ભાડા રાહત વધારીને ૫૦ ટકા સુધી કરી દેવામાં આવી છે. નિગમના આ પ્રજાલક્ષી નિર્ણયથી મુસાફરોને ભાડામાં અડધોઅડધ સીધો આર્થિક ફાયદો થશે.
માસિક પાસના દરમાં ઘટાડો
નવા સુધારેલા નિયમો મુજબ, અગાઉ માસિક પાસ કઢાવવા માટે મુસાફરે ૧૮ દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જેને ઘટાડીને હવે માત્ર ૧૫ દિવસનું કરી દેવામાં આવ્યું છે. આ ફેરફારના કારણે મુસાફરો માત્ર ૧૫ દિવસનું ભાડું ચૂકવીને પૂરા ૩૦ દિવસ સુધી મુક્તપણે મુસાફરીનો લાભ મેળવી શકશે.
ત્રિમાસિક પાસધારકોને વિશેષ લાભ
એજ રીતે, ત્રિમાસિક (ત્રણ મહિનાના) પાસ ધારકો માટે પણ દર માળખામાં મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ ત્રિમાસિક પાસ માટે ૫૪ દિવસનું ભાડું વસૂલવામાં આવતું હતું, જેના સ્થાને હવે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવીને સતત ૯૦ દિવસ (ત્રણ મહિના) સુધી એસ.ટી. બસમાં સફર કરી શકાશે.
૨.૫ લાખથી વધુ મુસાફરોને આર્થિક ફાયદો
ST નિગમ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દૈનિક ધોરણે મુસાફરી કરતા આશરે ૨.૫ લાખથી વધુ નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને નાના-મોટા વ્યવસાયીઓને દર મહિને મોટો આર્થિક લાભ થશે. આ સુધારાથી નાગરિકો ખાનગી વાહનોના બદલે ST નિગમની સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરાશે.