તેલંગાણા સરકાર સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયનો અમલ કરવા જાએ રહી છે. સરકાર હવે એવા કર્મચારીઓ સામે કડક પગલા ભરવાની તૈયારીમાં છે, જે પોતાના વૃદ્ધ માતા-પિતાની યોગ્ય સંભાળ રાખતા નથી. રાજ્યના મુખ્ય પ્રધાન એ. રેવન્નાથ રેડ્ડી એ જાહેરાત કરી છે કે સરકાર આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાંથી 10 થી 15 ટકા સુધીની રકમ કાપી માતા-પિતાને આપવાની જોગવાઈ લાવશે.
મુખ્ય પ્રધાને આ જાહેરાત તાજેતરમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમ દરમિયાન કરી હતી, જેમાં નવા નિમણૂક પામેલા અધિકારીઓ હાજર હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજે ઘણા યુવાનો ઊંચા હોદ્દા અને સારા પગાર સુધી પહોંચે છે, પરંતુ તેમની પાછળ માતા-પિતાનો અપાર ત્યાગ અને મહેનત છુપાયેલી હોય છે. આવા સમયમાં જો સંતાનો જ માતા-પિતાની અવગણના કરે તો તે સમાજ માટે ચિંતાજનક બાબત છે.
સરકાર જે પ્રસ્તાવ લાવી રહી છે તે મુજબ, જો કોઈ વૃદ્ધ માતા-પિતા ફરિયાદ કરશે કે તેમનો પુત્ર અથવા પુત્રી, જે રાજ્ય સરકારમાં કર્મચારી છે, તેમની જવાબદારી નિભાવી રહ્યા નથી, તો તપાસ બાદ સંબંધિત કર્મચારીના માસિક પગારમાંથી 10 થી 15 ટકા રકમ કપાઈ શકે છે. આ કપાત સીધી માતા-પિતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે જેથી તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે.
મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર કાયદાકીય પગલું નહીં પરંતુ એક સામાજિક સંદેશ પણ છે. તેમણે કહ્યું કે સરકારી નોકરી માત્ર અધિકાર નહીં પરંતુ જવાબદારી પણ છે. જે વ્યક્તિ સરકારમાં સેવા આપે છે તે સમાજ માટે આદર્શ હોવો જોઈએ અને સૌથી પહેલા પોતાના પરિવાર પ્રત્યે ફરજ બજાવવી જોઈએ.
બજેટ સત્ર દરમિયાન આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ થશે
સરકાર આ પ્રસ્તાવને આવનારી બજેટ સત્ર દરમિયાન તેલંગાણા વિધાનસભામાં રજૂ કરવાની તૈયારીમાં છે. વિધાનસભામાં ચર્ચા બાદ કાયદાને મંજૂરી આપવામાં આવશે તો તે અમલમાં આવશે. હાલમાં આ પ્રસ્તાવ તબક્કે છે અને સત્તાવાર કાયદો બન્યો નથી.આ નિર્ણયને લઈ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આ પગલાને વૃદ્ધોના હિતમાં મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે, કારણ કે આજકાલ અનેક વૃદ્ધો એકલતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકોનો મત છે કે પરિવારના મુદ્દાઓમાં સરકારની સીધી દખલગીરી અંગે વિસ્તૃત ચર્ચા જરૂરી છે.
તેલંગાણા સરકારનું કહેવું છે કે સમાજમાં વૃદ્ધોના માન અને સુરક્ષા માટે કડક પગલાં જરૂરી છે. જો આ કાયદો અમલમાં આવશે તો તે દેશના અન્ય રાજ્યો માટે પણ એક નવો માપદંડ બની શકે છે.