રાજકોટ મહાનગરપાલિકાના ૫૩મા સ્થાપના દિવસે આજે મેયર ડો.નેહલ શુક્લની ચેમ્બરમાં આવી ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને તેમના ધર્મપત્નીએ અમારી મિલકત બચાવી લ્યો તેવી આજીજી કરતા રડી પડ્યા હતા.
સેન્ટ્રલ રાજકોટના વોર્ડ નં.૨માંથી સુદીર્ઘ સમય સુધી ચૂંટાયેલા અને એક સમયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે રહી ચૂકેલા ભાજપના પીઢ અગ્રણી બીપીનભાઈ અઢિયા અને તેમના પત્ની આજે મેયર ડો.નેહલ શુક્લ સમક્ષ રજૂઆત માટે આવ્યા હતા, પ્રારંભે તો એવું લાગ્યું કે મહાનગરપાલિકાને લગતા કોઈ પ્રશ્ને રજૂઆત હશે પરંતુ તેવું ન્હોતું. આ દંપતિ મેયરના મત વિસ્તાર વોર્ડ નં.૭ હેઠળના પંચનાથ પ્લોટમાં આવેલી તેમની મિલકત મામલે રજુઆત કરવા આવ્યું હતું.
રજૂઆત એવા મતલબની હતી કે, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન બીપીનભાઈ અઢિયાની દુકાન પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલી છે અને તેમાં કોઈએ કબ્જો કરવા પ્રયાસ કર્યો છે તેવી તેમની મૌખિક ફરિયાદ હતી. આ મામલે તેઓ મદદ માંગવા આવ્યા હતા. લેખિત અરજી કે એવું કશું સાથે લાવ્યા ન હોય મેયરે ફરિયાદ સાંભળી હતી દંપતિને સાંત્વના આપી હતી અને પીએસ ટુ મેયરે આ દંપતીની રજૂઆતની નોંધ કરી હતી.
શ્યામલાલજીની હવેલીના સંચાલકો સામે આક્ષેપ
રાજકોટના પંચનાથ રોડ પર આવેલી શ્યામલાલજીની હવેલી (માધવ જયેશભાઈ મહેતા અને નિકુંજ જયેશભાઈ મહેતા) દ્વારા છેલ્લા અનેક દાયકાથી વ્યવસાય કરતા ભાડૂતોને કથિત હેરાનગતિ, જગ્યા ખાલી કરવા માટેનું કથિત દબાણ, તેમના કાયદેસરના કબજામાં કથિત દખલગીરી અને મિલકતને નુકસાન પહોંચાડવાની કથિત ઘટનાઓ અંગે અસરગ્રસ્ત અઢિયા પરિવાર દ્વારા રાજકોટ શહેર પોલીસ, રાજકોટ મહાનગરપાલિકા તથા સંબંધિત સત્તાવાળાઓને અપીલ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર જણાય તેવા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરના ભાડૂત તરીકેના અધિકારો તથા કબજાનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિપિન ભાઈ અઢિયા ની દુકાન પણ અહીં વર્ષો જૂના ભાડુઆત દરજ્જે છે અને તેમાં હવેલીના ઉપરોક્ત સંચાલકો દ્વારા કબજો કરવા પ્રયાસ થયાનો બીપીનભાઈ અઢિયા અને શ્રીમતિ માલતીબેન અઢિયાનો આક્ષેપ છે.