BREAKING NEWS

રાજકોટમાં બુલીયને 50 કરોડનું ફૂલેકું ફેરવ્યું: સોની બજારમાં ખળભળાટ, ઝવેરીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા

  • October 29, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની સોની બજારમાં દિવાળી અને ધનતેરના તહેવાર પૂર્વે સોની બજારમાં નવાનાકા રોડ પર ગઢની રાંગ પાસે મારૂતિ જવેલર્સ નામે પેઢી ધરાવનાર બુલીયન હસુ લોઢીયા કરોડનું સોનું લઇ ભુગર્ભમાં ઉતરી જતા સોની બજારમાં ખળભળાટ મચી ગયો છે. બનાવને લઇ સોની વેપારીઓ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં. પેઢીએ અંદાજિત રૂ.૫૦ કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાની સોની બજારમાં ચર્ચા છે. જોકે હાલ એ ડિવિઝન પોલીસે ચાર વેપારીઓનું રૂ.૭.૭૭ કરોડનું સોનું તથા રોકડની છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધ્યો છે. છેતરપિંડી અને ભોગ બનનારનો આંકડો વધે તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે.


પ્રહલાદ પ્લોટ -51 માં રહેતા સોની વેપારી જતીનભાઈ ઉર્ફે કાનાભાઈ રમેશભાઈ પાટડીયા(ઉ.વ.૪૯) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતિલાલ લોઢીયા (રહે. પ્રભુ રોયલ રેસીડેન્સી-120, કલ્યાણ પાર્ક શેરી નં.-1, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ)નું નામ આપ્યું છે. સોની વેપારીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે સોની બજારની જુની ગધીવાડ શેરીમાં ક્રિષ્ના ચેમ્બરમાં રમેશચંદ્ર એન્ડ સન્સ નામની સોનાની દુકાન ધરાવી 15 વર્ષથી વેપાર કરે છે અને સોની બજારની ગઢની રાંગ શેરીમાં મારુતિ જવેલર્સ નામે પેઢી ધરાવતા હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતીલાલ લોઢિયાને બે વર્ષથી ઓળખે છે. આ હસુભાઈને કમીશનથી સોનુ આપતા હતા અને તે પોતે બજારમાં બુલીયન તરીકે વેપાર કરતા હતા. હસુભાઈ છેલ્લા દોઢ વર્ષથી વ્યવસ્થિત વેપાર કરી મારો વિશ્વાસ કેળવી લીધો હતો. ગઇ તા.૨૬/૧૦/૨૦૨૬ ના રોજ બપોરના બાર વાગ્યે વેપારીને હસમુખભાઇ ઉર્ફે હસુભાઈનો ફોન આવ્યો હતો કે, તમારી પાસે સોનુ પડયુ છે ને? જેથી વેપારી હા પાડતા તેણે કહ્યું હતું કે, હું માણસને મોકલુ છે, મને ફોન કરી તેને સોનુ આપી દેજો. બાદ હસુભાઈએ બપોરના આશરે સવા બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં વીજયભાઈ મેણંદભાઇ કુગશીયા (રહે. ગોપાલનગર શેરી નં.૦૨, ગાંધીગ્રામ, વેલનાથ ચોક પાસે, રાજકોટ)ને ત્રણ વાર મોકલતા મે હસમુખભાઈના કહેવાથી વિજય કુગસીયાને કટકે કટકે આખા દીવસમાં ચાર કીલો ફાઇન સોનુ આપેલ હતું. જયારે એક કીલો ફાઇન સોનુ હસમુખભાઇના કહેવાથી પાર્થ ગોલ્ડ પેઢીના માલીક હિરેનભાઈ રાજેશભાઈ પાટડીયા (રહે. કેવડાવાડી શેરી નં.૯/૧૫ નો ખુણો, એલીગન્સ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.૨૦૨, રાજકોટ) ને આપેલ હતુ. જેથી મે હસમુખભાઈને તા.૨૬/૧૦/૨૦૨૬ ના દીવસ દરમ્યાન કુલ પાંચ કીલો ફાઇન સોનુ આપેલ હતુ. બુલીયનના ધંધાના નીયમ મુજબ ૨૪ કલાકની અંદર તેમણે સોનુ પરત આપવાનુ હોય છે, જે પાંચ કીલો સોનાની હાલની બજાર કિંમત આશરે રૂ. ૭.૨૫ કરોડ ગણી શકાય જે પરત લેવાનુ હોય હસમુખભાઈને તા. ૨૭/૧૦/૨૦૨૬ ના બપોરના આશરે બાર વાગ્યે ફોન કરી વેપારીને જણાવેલ કે, તમે ચિંતા ન કરો, તમને સાંજે પાંચ વાગ્યાં સુધીમાં સોનુ પરત મળી જશે. બાદ સાંજના સાડા છ વાગ્યે ફોન કરતા હસમુખભાઈનો મોબાઇલ બંધ આવતા સંપર્ક થયો ન હતો. જેથી તેના ઘરે જઈ તપાસ કરતા હસમુખભાઇ ઉર્ફે હસુભાઇના પિતા શાંતીલાલ મળી આવ્યા હતા. જેમણે હસમુખભાઈ અંગે કોઈ ખ્યાલ નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી હસમુખભાઈ લોઢીયા વેપારી પાસેથી રૂ. 7.25 કરોડનું સોનુ મેળવી પલાયન થઇ ગયાની મને જાણ થઇ હતી.


સોની વેપારીએ તપાસ કરતા હસમુખ લોઢીયા અન્ય ત્રણ સોનુ વેપારી પાસેથી ફાઈન સોનુ આપવાના બહાને રૂ. 52,33,677 મેળવી લઇ સોનું નહીં આપી વિશ્વાસઘાત કર્યાનું માલુમ પડયું હતું. જેથી રૂ. 7.25 કરોડનું સોનુ અને રૂ. 52,33,677 ની રોકડ મળી કુલ રૂ. 7,77,33,677 ની મત્તા લઇ ભુગર્ભમાં ઉતરી જનાર હસમુખ લોઢીયા સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બનાવને લઇ પીઆઈ જે.વી.વાઢિયાની ટીમે તપાસ હાથ ધરી હસુ લોઢીયા તેના પુત્ર દેવાંગ સાથે ક્યાંય જતાં રહ્યાનું સામે આવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સોની બજારમાં થતી ચર્ચા મુજબ આ પિતા- પુત્ર અન્ય કેટલાક નાના વેપારીઓનું પણ સોનું લઇ ગયા હોય આ છેતરપિંડનો આંકડો વધીને ૫૦ કરોડને આંબે તો પણ નવાઇ નહીં. દિવાળીના તહેવાર પૂર્વે જ બુલીયન સોનું લઇ ભુગર્ભમાં ઉતરી જતા ગઇકાલે મોટી સંખ્યામાં સોની વેપારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતાં.


ત્રણ વેપારીઓ પાસે ફાઈન સોનું આપવાના બહાને રૂ. 53.33 લાખ લઇ લીધા

હસમુખ લોઢીયા ફરિયાદ નોંધાવનાર જતીનભાઇ પાટડીયા ઉપરાંત અન્ય સોની વેપારીઓનું પણ સોનુ ઓળવી ગયો છે. જેમાં ભુપેન્દ્ર રોડ પર મોનાર્ક કોમ્પ્લેક્સમાં ઓમ ગોલ્ડ નામે પેઢી ધરાવતા નીલેશભાઇ બાલક્રુષ્ણભાઇ માંડલીયા (ઉ.વ.૫૪ રહે, એચ. ૮૦૨, ડેકોરા સ્કાઈ હીલ્સ, કાલાવડ રોડ, રાજકોટ) પાસેથી ૨૦૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોના પેટે રૂ. ૨૯,૦૫, ૧૭૭ નું આરટીજીએસ મેળવી લીધેલ હતું. પેલેસ રોડ પર મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સ નામની પેઢી ધરાવતા વેપારી મનોજકુમાર મથુરાદાસ ધોળકીયા (ઉ.વ.૬૦ રહે. ૪ - વર્ધમાન નગર, વૃંદાવન ડેરી સામે, પેલેસ રોડ, રાજકોટ) પાસે ૧૦૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઇન સોનાનું બીસ્કીટ આપવા પેટે રૂ. ૧૪,૫૫,૫૦૦ આરટીજીએસ મારફતે મેળવી લીધેલ હતા. જયારે સોની બજારમાં માધવ ઓર્નામેન્ટ્સ નામે પેઢી ધરાવતા હિતેશભાઈ ત્રીકમભાઈ માંડલીયા (રહે. જાનકી પાર્ક - ૨, કાલાવડ રોડ, પ્રીન્સેસ સ્કૂલની પાસે, રાજકોટ) પાસેથી ૬૦ ગ્રામ ફાઇન સોનુ આપવા માટે એનઈએફટી મારફતે રૂ. 8.73 લાખ મેળવી લઇ ત્રણેય વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.


હસુ લોઢીયાના બે વર્ષ પૂર્વે પણ આર્થિક સંકડામણમાં હોવાની ચર્ચા શરૂ થઇ’તી

ઝવેરીઓમાં થતી ચર્ચા મુજબ, આશરે બે-અઢી વર્ષ પૂર્વે પણ હસુ લોઢીયા આર્થિક સંકળામણમાં હોવાનું સોની બજારમાં જોરોશોરોથી ચર્ચાયું હતું. ત્યારે પણ હસુ લોઢીયાની પેઢી ફૂલેકું ફેરવશે તેવી ચર્ચાઓ ઉઠવા પામી હતી પણ ત્યારે યેનકેન પ્રકારે હસુ લોઢીયાએ પૈસા અને સોનાની ચુકવણી કરી દીધી હતી. વધુમાં મળતી માહિતી અનુસાર પેડક રોડ આશરે છ મહિના પૂર્વે શરૂ થયેલી મસમોટી જવેલર્સ પેઢીમાં પણ હસુ લોઢીયા ભાગીદાર હતો પણ જાણકારોના જણાવ્યા અનુસાર થોડો સમય પૂર્વે તેણે આ પેઢીમાંથી ભાગીદારી છુટ્ટી કરી નાખી હતી.


ચાંદીના સટ્ટામાં રકમ ગુમાવ્યાની આશંકા

કરોડનું સોનાનું ફુલેકુ ફેરવનાર હસમુખ લોઢીયાએ ચાંદીના સટ્ટમાં મોટી રકમ ગુમાવી હોવાની સોની વેપારીઓમાં ચર્ચા થઇ રહી છે. છેલ્લા બે મહિનામાં ચાંદીના ભાવમાં મોટા ગાબડાં પડયા છે. ત્યારે હમસુખ લોઢિયા અને તેના પુત્ર દેવાંગે ચાંદીના સટ્ટામાં રકમ હારી જતા ફુલેકું ફેરવ્યાની ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application