રાજકોટની ઝનાના હોસ્પિટલમાં પ્રસૂતાઓ પાસેથી ડિલિવરી દરમિયાન સર્વન્ટ સ્ટાફ (માસીઓ) ધરાર પણે રૂ.100 થી 500 સુધીના ઉઘરાણા કરતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
કેટલાક શ્રમિક પરિવારો પાસે ખાવાના પણ ફાંફા હોય એવા સગર્ભાના પરિવાર પાસેથી 100-100 રૂપિયા પણ લઈ લઈ ખિસ્સા ભરવા માટે માનવતાને પણ નેવે મુકવામાં આવી રહી છે. જેનો એક વિડીયો પણ આજકાલ પાસે આવ્યો છે. જેમાં એક શ્રમિક પરિવારના મહિલાએ ધરાર પણે રૂ.100 લીધા હોવાનું જણાવી રહ્યા છે. અગાઉ પણ આજકાલ દ્વારા સિવિલમાં માસીઓ લિફ્ટ પાસે ઉઘરાણા કરતી હોવાનો ભાંડા ફોડ કર્યો હતો. પરંતુ આ ગંભીર બનાવમાં કોન્ટ્રાકટ એજન્સી દ્વારા માત્ર મેમો આપી નામની જ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને ફરીથી નિર્ભય પણે ઉઘરાણા શરૂ કરી દેવામાં આવ્યા છે.
ઝનાના હોસ્પિટલમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ પરિવારની મહિલાઓ પ્રસુતિ માટે દાખલ થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સગર્ભાઓની સંખ્યા વધુ જોવા મળે છે. સારવારમાં રહેલી સગર્ભાની ડિલિવરી થાય ત્યારે લેબર રૂમથી વોર્ડમાં સ્ટેચરમાં લઈ જતી કેટલીક સર્વન્ટ માસીઓ સાથે રહેલા પ્રસુતાના સ્વજન પાસેથી રીતસર પૈસાની માગણી કરે છે. જયારે સ્વજન પૈસા કેવાના આપવાના પૂછે ત્યારે શર્મને પણ નેવે મૂકી દીકરી-દીકરાનો જન્મ થયો તો પૈસા તો આપવા પડે કહી ધરાર પણે રૂ.100 થી 500 સુધીની રકમ લઈ લેવામાં આવી રહી છે. ઉઘરાણાના પૈસા ની લેતી દેતી સીસીટીવીમાં કેદ ન થાય એ માટે લિફ્ટની સાઈડમાં કે વોર્ડમાં પહોંચી વસૂલી કરવામાં આવી રહી છે.
આજકાલ પાસે એક વિડીયો પણ આવ્યો છે જેમાં એક ગરીબ પર પ્રાંતીય પરિવારની પ્રસુતાના મહિલા સ્વજન પાસેથી સર્વન્ટ માસી રૂ.100 લઇ ગયાનું જણાવી રહયા છે. આવા કેટલાક પરિવાર પાસે પ્રસૂતાને સુખડી ખવડાવાના પૈસા પણ હોતા નથી તેની પાસેથી પણ પૈસા કટકટાવી લેવામાં આવી રહ્યા છે. એક બાજુ સરકારી હોસ્પિટલમાં સરકાર દ્વારા ગરીબ પરિવારને ધ્યાનમાં રાખી સગર્ભાઓને દાખલ થવાથી લઈ પ્રસૂતી બાદ ઘરે મુકવા માટેની ખીલખીલાટની વ્યવસ્થા ઉપરાંત યોજનાઓ હેઠળ પૈસા પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે ઝનાના હોસ્પિટલમાં કેટલાક મહિલા સર્વન્ટો આવી હિન્ન પ્રવુતિઓ કરી હોસ્પિટલને પણ લાંછન લગાડી રહ્યા છે.
સ્વજનોને પૂછવામાં આવે તો કોણે કેટલા કટાવ્યા એ આંકડો ખુલે
હોસ્પિટલના સત્તાધીશો અને કોન્ટ્રાકટ એજન્સીએ પણ આ બાબતને ગંભીર ગણી વોર્ડમાં દાખલ રહેલી પ્રસૂતાઓના સ્વજનને પૂછવામાં આવે તો કઈ માસી સર્વન્ટએ કેટલા પૈસા લીધા છે તેના નામ સાથેનો આંકડો બહાર આવી શકે છે. જો કે આ બાબતે સર્વન્ટ ઉપરના સુપરવાઈઝરો પણ અજાણ ન જ હોઈ શકે પરંતુ આ બાબતે આંખ મીચામણા કરવામાં આવી રહ્યા છે કે પછી ભાગ બટાઈ કે બીજો કોઈ સ્વાર્થ છુપાયો હોય તેમ મનાઈ રહ્યું છે.