BREAKING NEWS

ગુજરાત ઠરીને ઠીકરૂ...રાજ્યમાં સૌથી વધુ ઠંડી પોરબંદરમાં, રાજકોટમાં 9.2, નલિયામા 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું

  • January 25, 2026 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હિમાલયની પર્વતમાળામાં ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી ઠંડા હિમ પવન ફૂંકાઈ રહ્યા છે. આ હિમ પવનના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઠંડીની તીવ્રતા વધુ જોવા મળી રહી છે.


ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, આજે રવિવાર 25 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન સૌરાષ્ટ્રના પોરબંદરમાં નોંધાયું છે. પોરબંદરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જ્યારે રાજકોટમાં પણ ઠંડીનો પારો 9.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતર્યો છે, જે સામાન્ય કરતાં ઘણો ઓછો છે.


કચ્છના નલિયા વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં ગઈકાલ શનિવારની તુલનામાં આજે રવિવારે ઠંડીમાં થોડો ઘટાડો થયો છે અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.


ઠંડી વધતા લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. વહેલી સવારે ઠંડા પવનના કારણે રસ્તાઓ પર ચહલપહલ ઓછી જોવા મળી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો તાપણા કરતા નજરે પડ્યા હતા.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન ઠંડીનો આ પ્રભાવ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે ઠંડી વધુ અનુભવાશે. લોકોને સાવચેતી રાખવા, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઠંડીથી બચાવવા માટે જરૂરી તકેદારી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application