BREAKING NEWS

ઇતિહાસના પાનામાંથી જીવંત થયો કચ્છનો વારસો: 1872 પછી પહેલીવાર જોવા મળ્યો આ સાપ

  • September 23, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ જિલ્લાના સૂકા અને ખારી જમીનવાળા વિસ્તારોમાં જોવા મળતી સાપની વિવિધતાનો એક ઐતિહાસિક રેકોર્ડ ફરી ચર્ચામાં આવ્યો છે. લગભગ 150 વર્ષ બાદ કચ્છમાં શોકરી સેન્ડ રેસર સાપ ફરી જોવા મળ્યો છે. આ સાપ અગાઉ વર્ષ 1872માં કચ્છમાં જોવા મળ્યો હોવાનો રેકોર્ડ નોંધાયો હતો.

કચ્છ-ભુજ ઉત્તર રેન્જના ફોરેસ્ટ ઓફિસર આરએફઓ જયેશ દુમનિયાએ આ સાપને ફરી શોધ્યો છે. કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ કાળા ડુંગર વિસ્તારના ગ્રેટ ડેઝર્ટ લેક્ના નજીકના મેદાની વિસ્તારમાં આ સાપ જોવા મળ્યો હતો. જયેશ દુમનિયાએ જણાવ્યું કે, તેને એફ્રો-એશિયન સેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાત વન વિભાગના જણાવ્યા મુજબ જાણીતા પ્રાકૃતિક વિજ્ઞાની ફર્ડિનાન્ડ સ્ટોલિક્ઝકાએ વર્ષ 1871-72 દરમિયાન કચ્છના સર્વે દરમિયાન આ સાપના નમૂના એકત્ર કર્યા હતા. તેના આધારે વર્ષ 1872માં જર્નલ ઓફ ધ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળમાં સામોફિસ સિન્ડેન્સિસ નામથી આ સાપનું વર્ણન કરવામાં આવ્યું હતું. બાદમાં વર્ગીકરણમાં તેને સામોફિસ સિન્ડેન્સિસનું જુનિયર સિનોનિમ માનવામાં આવ્યું. આ સાપની ફરી શોધ કચ્છની જૈવ વિવિધતાના અભ્યાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ સાપની પુનઃશોધ કચ્છના શુષ્ક વિસ્તારોમાં રહેલી સમૃદ્ધ સરીસૃપ વિવિધતા દર્શાવે છે. વૈજ્ઞાનિકો અને પ્રકૃતિવિદો દ્વારા દાયકાઓ પહેલાં એકત્ર કરવામાં આવેલા અને નોંધાયેલા રેકોર્ડ આજે પણ કોઈ વિસ્તારની જૈવ વિવિધતાને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્ટોલિક્ઝકા દ્વારા 1872માં નોંધાયેલો રેકોર્ડ કચ્છની કુદરતી વિરાસત અને ગુજરાતમાં સાપોની વિવિધતાના અભ્યાસ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

આરએફઓ જયેશ દુમનિયાએ જણાવ્યું કે તેઓ કાળા ડુંગર વિસ્તારમાં સોરવર પાસેના મેદાની વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમની ગાડીની આગળ એક સાપ જોવા મળ્યો. તેમણે ગાડી રોકીને સાપને નજીકથી જોયો અને તેની તસવીરો પણ લીધી.

પ્રથમ નજરે આ કોઈ અન્ય સાપ હોવાનું લાગ્યું હતું. જોકે, સાપના જાણકાર લોકો સાથે ચર્ચા કરતાં તેની ઓળખ શોકરી સેન્ડ રેસર સાપ તરીકે થઈ. કચ્છમાં આ સાપ વર્ષ 1872માં જોવા મળ્યો હોવાના પુરાવા છે. એટલે કે લગભગ 150 વર્ષ બાદ આ પ્રજાતિ ફરી કચ્છમાં નોંધાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application