BREAKING NEWS

આરોપીઓને જાહેરમાં ફટકારવાના પ્રકરણમાં ડીસીપી રાજદીપસિંહ નકુમને શો-કોઝ નોટિસ, 15 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ

  • September 18, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતના સમાંસાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેર રસ્તા પર ફેરવીને તેમના માથાના વાળ પકડીને ઢોર માર મારવાના ચકચારી પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ બાદ હવે ગૃહ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ વિરુદ્ધ સેવા અને આચાર નિયમોના ઉલ્લંઘન બદલ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે. તેમને ૧૫ દિવસમાં આ મામલે સંતોષકારક ખુલાસો રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

ગૃહ વિભાગ દ્વારા દાખલ કરાયેલી સુઓમોટો પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ પર ગંભીર આરોપો લાગ્યા હતા. આ મામલાની તપાસનો પ્રાથમિક અહેવાલ સીલબંધ કવરમાં અગાઉ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે ની ખંડપીઠે આ કેસમાં કડક રૂખ અપનાવતા કેસમાં લેવાયેલા પગલાં અને પ્રગતિ અહેવાલ રજૂ કરવા માટે સરકારને ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો.

આ સુનાવણી દરમિયાન ગૃહ વિભાગના ઉપસચિવ દ્વારા સોગંદનામું રજૂ કરી હાઈકોર્ટને આ મહત્ત્વની માહિતી આપવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણની તપાસ સુરત એસીપી દ્વારા કરવામાં આવી હતી, જેની ચકાસણી ખુદ ઇન્સ્પેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) દ્વારા કરવામાં આવ્યા બાદ અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને સુપરત કરાયો હતો. રેકોર્ડ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે સરકારે પ્રાથમિક તારણ કાઢ્યું છે કે ડીસીપી રાજદીપસિંહ નકુમના કૃત્યો ઓલ ઇન્ડિયા સર્વિસીસ (કંડક્ટ) રૂલ્સ, ૧૯૬૮ના નિયમ-૩(૧)નું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. આ નિયમ અધિકારીમાં સંપૂર્ણ પ્રામાણિકતા, ફર્જ પ્રત્યે નિષ્ઠા અને જનસેવકને શોભે તેવા વર્તનની આવશ્યકતા પર વિશેષ ભાર મૂકે છે.

રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગત તા. ૧૪-૯-૨૦૨૬ના રોજ કસૂરવાર ઉચ્ચ અધિકારી રાજદીપસિંહ નકુમને ઓપચારિક રીતે કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે. આ સાથે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ વિરુદ્ધ પોલીસની જવાબદારી અને વ્યાવસાયિક આચરણ અંગેની ન્યાયિક અને ખાતાકીય તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં આ મામલે વધુ કડક પગલાં લેવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application