BREAKING NEWS

સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, ભાવનગર અને અમરેલીમાં સાડા છ ઇંચ વરસાદ, પાણીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો

  • July 07, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરથી સમગ્ર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 277 પૈકી 225 તાલુકામાં ઝાપટાથી લઈને અનરાધાર નવ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. તેમાં સૌરાષ્ટ્રના 66 તાલુકાઓ વરસાદથી તરબોળ બન્યા હતા. આજે સવારે પણ સૌરાષ્ટ્રના 16 તાલુકામાં મેઘપધરામણી શરૂ થતાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. પાલિતાણીનો શેત્રુંજી ડેમ ઓવર ફ્લો થતા તેના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ નદીકાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.


સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો હતો. ઘોઘામાં સાડા છ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગર શહેર અને સિહોરમાં સાડા ચાર ઇંચ, જ્યારે ગારીયાધાર અને ઉમરાળામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. વલ્લભીપુર, મહુવા, પાલીતાણા, જેસર અને તળાજામાં દોઢથી સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે પણ ભાવનગર, પાલીતાણા, મહુવા અને જેસર પંથકમાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા.


અમરેલી જિલ્લામાં અમરેલી શહેર, લાઠી, બાબરા અને સાવરકુંડલામાં ચારથી સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે લીલીયામાં અઢી ઇંચ તથા ખાંભા, કુંકાવાવ-વડિયા વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બગસરા, જાફરાબાદ અને ધારીમાં પણ ઝાપટાં પડ્યા હતા. આજે સવારે લીલીયા, ધારી, જાફરાબાદ અને રાજુલા વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો હતો.


મોરબી જિલ્લાના માળીયા મિયાણામાં ત્રણ ઇંચ, જ્યારે ટંકારા, મોરબી અને હળવદમાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. બોટાદ, ગઢડા અને રાણપુરમાં બે ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. કચ્છમાં રાપર, ગાંધીધામ અને અંજારમાં પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી અને ચૂડામાં બે ઇંચ સુધી, જ્યારે લખતર સહિત અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.


જૂનાગઢ શહેર-ગ્રામ્ય, કેશોદ, માળીયાહાટીના અને વિસાવદરમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે પણ જૂનાગઢ, કેશોદ અને માળીયાહાટીના વિસ્તારમાં ઝાપટાં ચાલુ રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં વિંછીયા, ગોંડલ અને લોધિકામાં અડધોથી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે રાજકોટ શહેર, ધોરાજી, જેતપુર, જસદણ, કોટડા સાંગાણી અને જામકંડોરણામાં ઝાપટાં વરસ્યા હતા. જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાનો માહોલ વધુ મજબૂત બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application