સોશિયલ મીડિયાના યુગમાં હવે માત્ર ફોલોઅર્સ, લાઈક અને શેર મેળવવાનો સમય પાછળ છૂટી ગયો છે. આજની ડિજિટલ યુગમાં કંપનીઓ માટે ગ્રાહકોના સવાલોના તાત્કાલિક જવાબ આપવા એ વેચાણ વધારવાનું સૌથી મોટું હથિયાર બની ગયું છે. ભારતના અનેક અગ્રણી ફુટવેર અને રિટેલ બ્રાન્ડ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સીધી પોતાની દુકાનની જેમ ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે કોઈ ગ્રાહક સોશિયલ મીડિયા પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પ્રોડક્ટના સાઈઝ, કિંમત કે કમ્ફર્ટ વિશે સવાલ પૂછે છે, ત્યારે કંપનીની ટીમ તુરંત જ ડાયરેક્ટ ખરીદીની લિંક સાથે રિપ્લાય કરે છે. ગ્રાહકના નાનામાં નાના સવાલનો આ ઝડપી જવાબ તેમનો વિશ્વાસ જીતી લે છે અને કોમેન્ટ સેક્શન સીધા ઓર્ડરમાં પરિવર્તિત થઈ જાય છે.
સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પ્લેટફોર્મ સ્પ્રાઉટ સોશિયલના અહેવાલ મુજબ, આશરે 73 ટકા ગ્રાહકો એવા બ્રાન્ડ્સ પાસેથી ખરીદી કરવાનું બંધ કરી દે છે જે સોશિયલ મીડિયા પર તેમના સવાલોના સમયસર જવાબ નથી આપતા. આ ઉપરાંત 81 ટકા લોકો સ્વીકારે છે કે તેઓ સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને અચાનક જ ખરીદી કરવાનો નિર્ણય લઈ લે છે. માર્કેટ રિસર્ચ સંસ્થા આઈએમઆરસી ગ્રુપ (IMARC Group) ના આંકડા દર્શાવે છે કે ભારતનું સોશિયલ કોમર્સ માર્કેટ વર્ષ 2025 માં 8.9 અબજ ડોલરનું હતું, જે વધીને હવે 10.9 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.
હવે સોશિયલ મીડિયા માત્ર જાહેરાત બોર્ડ કે પ્રચારનું સાધન નથી રહ્યું, પરંતુ ગ્રાહકો સાથે સીધી વાતચીત અને સંવાદ સ્થાપવાનું માધ્યમ બની ગયું છે. અગાઉ કંપનીઓ પોતાની સફળતા માત્ર લાઈક અને શેરની સંખ્યા પર નક્કી કરતી હતી, પરંતુ આજનું દ્રશ્ય બદલાયેલું છે. ગ્રાહકો હવે માત્ર જાહેરાતો જોઈને સામાન ખરીદતા નથી, પરંતુ કોમેન્ટમાં પોતાના ડાઉટ્સ સ્પષ્ટ કરે છે. જો કોઈ કંપની મિનિટોમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે, તો ગ્રાહક માટે ખરીદી સરળ બને છે. નિષ્ણાતોના મતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આગમનથી ગ્રાહકોને તાત્કાલિક અને સચોટ પ્રત્યુત્તર મળી રહ્યા છે, જે ગ્રાહકનો વિશ્વાસ જીતવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.