અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વહેલી સવારે જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ભયાનક ગડગડાટ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર વાતાવરણને પ્રભાવિત કરી દીધું હતું. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું હતું, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં અમદાવાદમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સવારે છથી બપોરે 12 વાગ્યા સુધી અમદાવાદના સરખેજ અર્બન હેલ્થમાં 5.24 ઇંચ, બકરોલમાં 4.41 ઇંચ, મક્તમપુરામાં 4.25 ઇંચ, સરખેજમાં 3.92 ઇંચ, કાલુપુરમાં 3.80 ઇંચ, ટાગોર કંટ્રોલ વિસ્તારમાં 3.72 ઇંચ, લાંભામાં 3.66 ઇંચ, મેમનગરમાં 3.52 ઇંચ, ચાંદલોડિયામાં 3.33 ઇંચ અને દૂધેશ્વરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે સ્કૂલોને સૂચના આપવામાં આવી હતી. પોતાની વિવેકબુદ્ધિથી જરૂર લાગ્યે સ્કૂલમાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી હતી. ડીઇઓ દ્વારા શહેરની તમામ સ્કૂલોને સૂચના અપાઈ હતી. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા જાહેર કરવાની રહેશે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવા શાળા સંચાલકોને સૂચના અપાઈ હતી.
બોપલ, શીલજ, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેમાં જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. બીજી બાજુ સરખેજ, મકરબા, નારોલ, વટવા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી હતી.
વરસાદી પાણી ભરાવાના કારણે શાહીબાગ, પરિમલ, ઉસ્માનપુરા. અખબારનગર, મીઠાખળી અને મકરબા એમ પાંચ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા હતા. પાણી ઉતરતાં શાહીબાગ અંડરપાસ ફરી શરૂ કરાયો હતો. જોકે બાદમાં વરસાદ બંધ થતાં પાણી ઉતરતાં એક પછી એક અંડરપાસ ફરી શરૂ કરાયા હતા.
ભારે વરસાદના કારણે અમદાવાદના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. પશ્ચિમ વિસ્તારના હરણ સર્કલ, એસ.પી. સ્ટેડિયમથી દર્પણ છ રસ્તા તરફ જતો રોડ અને નારણપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે સવારના સમયે નોકરી-ધંધે જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તાઓ પર વાહનોની પાંખી હાજરી જોવા મળી હતી.
વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 14 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ સલામતીના ભાગરૂપ અતિશય પાણી ભરાઈ જવાના કારણે શહેરના ઉસ્માનપુરા, પરિમલ ચાર રસ્તા, મકરબા અને અખબારનગરના અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા. હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પાસે પણ ભારે પાણી ભરાયા હતા.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. કાળા ડિબાંગ વાદળોની ગર્જના સાથે સુસવાટા મારતા પવનો ફૂંકાયા હતા અને ધીમીધારે સતત વરસાદ વરસ્યો હતો. બંને શહેરોના નાગરિકો હાલ સાવચેતી રાખીને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
11 સ્થળે ઝાડ ધરાશાયી, ફાયર બ્રિગેડની ટીમો દોડી
અમદાવાદમાં ધોધમાર વરસાદ અને પવન વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની 11 જેટલી ઘટનાઓ બની હતી. બોડકદેવ, સુભાષ બ્રિજ, નવરંગપુરા, ગોતા, નારણપુરા, પ્રગતિનગર, ગીતા મંદિર, આનંદનગર અને સાબરમતી સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ઝાડ પડવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને રસ્તા પર પડેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. રાહતની વાત એ છે કે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
ભારે વરસાદથી ફ્લાઇટ ઓપરેશન ખોરવાયું
ભારે વરસાદની અસર એર ટ્રાફિક પર પણ જોવા મળી હતી. અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી જતાં કોલકાતાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6ઇ 245ને ઇંદોર ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે બપોરના સમયે અમદાવાદમાં વરસાદની તીવ્રતા ઘટી અને વિઝિબિલિટી ક્લિયર થતાં ફ્લાઇટ લગભગ બે કલાક બાદ ઇંદોરથી અમદાવાદ પરત આવી હતી. ભારે વરસાદ અને હવામાનની અસરને કારણે અમદાવાદ એરપોર્ટ પર અન્ય કેટલીક ફ્લાઇટ્સના સંચાલન પર પણ અસર પડી હતી. જેમાં એરપોર્ટ પર આવતી જતી કેટલીક ફ્લાઇટ્સ 30 મિનિટથી લઈને એક કલાક સુધી મોડી પડી હતી.
વડાલીમાં મકાન પર વીજળી પડી
સાબરકાંઠા જિલ્લામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે વડાલીના રામનગર વિસ્તારમાં આવેલા પ્રજાપતિ વાસમાં એક મકાન ઉપર અચાનક વીજળી ત્રાટકતા ભારે નુકસાન થયું હતું, જેના પ્રચંડ ધડાકાને કારણે મકાનનું લાઈટનું મીટર અને ટીવી-ફ્રીજ જેવા કિંમતી ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા અને તેની અસર બાજુમાં રહેતા મુકેશભાઈ ખાંટના મકાન સુધી પહોંચતા તેમનું મીટર પણ બળી ગયું હતું; જોકે, સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાઈ જતાં વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવી છે.