જિંદગી તે પણ ખરો રંગ રાખ્યો છે, વિશ્વાસનો તે સંગ રાખ્યો છે, પરંતુ આજે શ્વાસનો ભંગ રાખ્યો છે, લાગે છે, મોતનો પ્રસંગ રાખ્યો લાગે છે, રાજકોટના લુહાર-પરમાર પરિવારમાં જાણે કુદરતે મૃત્યુનો પ્રસંગ રાખ્યો હોય તેમ માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં પરિવારના ત્રણ સ્વજનની જિંદગી છીનવાઈ જતા જાણે કુદરત રુઠ્યો હોય તેમ લાગી રહ્યું છે, પિતાના અવસાન બાદ વિયોગમાં માતાએ બે દિવસ પહેલા જ આપઘાત કરી લીધો હતો અને હજુ માતાનું બેસણું પૂરું થયું ત્યાં જુવાનજોધ પુત્રએ પણ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગાયત્રીનગર મેઇન રોડ પર ગોપાલનગર-૧માં રહેતાં કરણભાઇ હિતેષભાઇ પરમાર (ઉ.વ.૨૮) ના યુવાને ગઇકાલે બપોરે બારેક વાગ્યે ગોંડલ રોડ ચોકડી વિરાણી અઘાટ પાસે કામનાથ વે બ્રીજ સામે આવેલા પોતાના કારખાનામાં સેલ્ફોસનો ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં પરિવારમાં આક્રંદ સર્જાયો છે,
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કરણભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. વિરાણી અઘાટમાં બંને ભાઈઓ ગેસ વેલ્ડીંગનું કારખાનું ધરાવે છે.
આપઘાત કરનાર કરણના પિતા હિતેષભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ.૫૩)નું બે મહિના પહેલા બિમારીના કારણે અવસાન થયું હતું. પરિવારના મોભીના મૃત્યુથી હજુ પરિવાર શોકમાંથી બહાર નહતો આવ્યો ત્યાં માતા પારૂલબેન (ઉ.વ.૪૮)એ પતિના વિયોગમાં ગત તા.૧૭ના બે દિવસ પહેલા જ રે ઘઉંમા રાખવાનો પાવડર પી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેનું ગઈકાલે બેસણું રાખવામાં આવ્યું હતું. પિતા બાદ માતાને પણ ગુમાવતાં પુત્ર વ્યથિત બનતા કાલે માતાના બેસણા પહેલા જ કારખાને આપઘાત કરી લીધો હતો.
પરિવારમાં પિતા, માતા અને ભાઈ ને ગુમાવી દેતા એક માત્ર પુત્ર સ્મિત ઊંડા શોકમાં ગરકાવ થયો છે. વિસ્તારમાં પણ શોકનું મોજું છવાયું છે.