BREAKING NEWS

દારૂની આદત ન છોડતા... મુક્કા અને તમાચા મારી પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું, રાજકોટના સાધુ વાસવાણી રોડ પરની ઘટના

  • November 02, 2025 04:48 PM 


રાજકોટમાં ગઈકાલે વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. શહેરના સાધુવાસવાણી રોડ ઉપર ગુરુજીનગર આવાસ યોજના ક્વાટરમાં રહેતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા 53 વર્ષીય કલ્પેશભાઈને પુત્ર ઋષભ સાથે ઝઘડો થયો અને બાદમાં ઉશ્કેરાયેલા પુત્રે પિતાને મુક્કા અને લાફા મારતા તેનું મૃત્યુ નિપજ્યું હતુ. દારૂ પીવાની ટેવને કારણે માતા અને પુત્ર પિતાથી અલગ રહેતા હતા. જોકે પિતાનું લીવર ફેલ થઈ જતા પુત્રએ તેની સારવાર કરાવી હતી અને દરરોજ જમવાનું ટિફિન પણ આપી જતો હતો. જે બાદ પણ પિતાએ પોતાની દારૂની આદત ન છોડતા પુત્ર સાથે ગાળાગાળી કરતા પુત્રના હાથે પિતાનું મૃત્યુ નિપજ્યુ હતું.


યુનિવર્સિટી પોલીસે પુત્ર ઋષભ સામે સાપરાધ મનુષ્યવધનો ગૂનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને ખરેખર આ હત્યા નથી ને? તેની તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ, શહેરના એરપોર્ટ રોડ પર મારુતિ નગર શેરી નંબર- 3માં રહેતા અને PGVCLમાં લાઈન મેન તરીકે નોકરી કરતા હિતેષભાઇ વ્યાસે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, અમે ત્રણ ભાઇઓ અને એક બહેન છીએ. જેમા સૌથી મોટો હુ અને મારાથી નાના કલ્પેશભાઇ હતાં. જે ગુરૂજીનગર આવાસ યોજનાના કવાર્ટરમા રહેતા હતાં. તેના લગ્ન કૈલાશબેન સાથે આર્યસમાજમા થયા હતા અને તેઓને સંતાનમા એક દીકરો 25 વર્ષનો રૂષભ છે. મારા ભાઇ કલ્પેશભાઇ પ્રાઇવેટ નોકરી કરતા હતા તેને કૈલાશબેન સાથે નહી બનતા આશરે 14 વર્ષથી છુટાછેડા લઇ લીધા હતા. કૈલાશબેન અને રૂષભ બંન્ને લક્ષ્મીનગરમા સાથે રહે છે અને રૂષભ પણ પ્રાઇવેટ નોકરી કરે છે.​​​​​​​


પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા

ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા નાનાભાઇ કલ્પેશભાઇને ધણા વર્ષોથી દારૂ પીવાની આદત હતી અને તેના કારણે તેનુ લીવર ફેઇલ થઇ ગયું હતું. મારા ભત્રીજા રૂષભને તેઓની આ આદતના કારણે તેઓની સાથે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતાં. દોઢ મહીના પહેલા કલ્પેશભાઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેની સેવા ચાકરી રૂષભે કરી હતી.


'કાન પાસે લોહી નીકળતુ હોય તેવુ લાગ્યું'

આ દરમિયાન ગઈકાલે લક્ષ્મીનગરમાં નાનામવા સબ ડીવીઝનમા નોકરી પર હતો ત્યારે સવારે 10 વાગ્યે મારા ભાઇ કલ્પેશભાઇના મોબાઈલ નંબરમાંથી ઋષભનો ફોન આવ્યો હતો કે પપ્પા ઉઠતા નથી. પાણી છાંટ્યું છતાં જાગતા નથી. જેથી અમે ત્યાં પહોંચતા કલ્પેશભાઇ જાગતા ન હતા અને તેના કાન પાસે લોહી નીકળતુ હોય તેવુ લાગ્યું હતું. તેમજ તેના છાતીના ભાગે લાલ રતાશ પડતા ચકામાના નીશાન જોવા મળ્યા હતા. જેથી 108માં ફોન કર્યો હતો.


પુત્રને ગુસ્સો આવતા પિતાનું ઢીમ ઢાળી દીધું

રૂષભને બનાવ બાબતે પુછતા તેણે કહ્યું હતું કે, હું પણ રાત્રિના અહીં જ રોકાઈ ગયો હતો અને રાત્રિના બન્ને સાથે જમ્યા બાદ પપ્પા નીચે બેઠા હતાં. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં કલ્પેશભાઈ દારૂ પીધેલી હાલતમાં હતા, ત્યારે પુત્ર અને તેની મારા માતાને ગાળો બોલતા હતા. જેથી પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પુત્ર એ કહ્યું હતું કે તમારી સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં ઘણો ખર્ચો કર્યો છે અને તમારી દારૂ પીવાની આદતના કારણે મમ્મી પણ અલગ થઈ ગયા છે. જેથી પિતા વધુ ઊશ્કેરાઈને ગાળો આપતા હતા. જેથી પુત્રને ગુસ્સો આવતા તેને પિતાને બે-ત્રણ મુક્કા છાતી, પેટ તથા મોઢાના ભાગે માર્યા હતા. પિતા દારૂ પીધેલી હાલતમાં હોવાથી નીચે પડી ગયા હતા અને બાદમાં તેઓ નીચે સુઈ ગયા હતા.


ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો

જે બાદ પુત્ર શેટી ઉપર સુઇ ગયો હતો. જે બાદ સવારે પુત્ર જાગતા પિતા સૂતા હતા. જેમને ઉઠાડવા જતા તેઓ ઉઠ્યા ન હતા. બાદમાં 108 આવી જતા કલ્પેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જોકે તબીબે જોઈ તપાસી તેમનું મૃત્યુ થયાનુ જાહેર કર્યું હતું. જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા કલ્પેશભાઇને માથા, દાઢી, પાસળીઓ તથા પેટના ભાગે ઇજા થવાથી તેનુ મૃત્યું થયું હોવાનું ફલિત થયું હતું. જેથી ભત્રીજા ઋષભ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application