BREAKING NEWS

સ્પા મેનેજરને પહેલા ઢોર માર માર્યો પછી ચોથા માથેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો, અમદાવાદમાં ક્રૂર હત્યાનો બનાવ, જાણો મર્ડર પાછળનું કારણ

  • August 06, 2026 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં વિશાલા એવન્યુ સ્થિત 'ત્રિશા સ્પા'માં રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સ્પામાં માત્ર બે જ દિવસ અગાઉ મેનેજર તરીકે નોકરી પર જોડાયેલા દશરથ મીણા નામના યુવક પર કેટલાક શખ્સોએ અચાનક ધસી આવીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ દશરથને બેરહમીથી ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે મેનેજરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.


હત્યાની આ સનસનાટીભરી ઘટના પહેલાં સ્પામાં થયેલી ઉગ્ર મારામારી અને જૂથઅથડામણના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હત્યાનું મુખ્ય કારણ સ્પામાં કામ કરતી એક યુવતી સાથે જોડાયેલો વિવાદ હતો. યુવતી બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી અને તકરાર બાદ બાબત મારામારી સુધી પહોંચી હતી અને અંતે મેનેજરને જીવ ગુમાવવો પડ્યો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ હત્યા સ્પાની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓની પોલ ખોલી નાખી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અહીં માત્ર સ્પા પ્રોફેશનલ સેવાઓ જ નહીં, પરંતુ તેની આડમાં દેહવેપારનું મોટું નેટવર્ક, દારૂની ગેરકાયદેસર મહેફિલો અને ડ્રગ્સ પાર્ટીઓ પણ અવારનવાર યોજાતી હતી. આ પ્રકારના ગેરકાયદેસર અને કાળા કારોબારને કારણે જ આંતરિક અદાવત ઊભી થઈ હોવાની અને તેના પરિણામે આ લોહીયાળ ખેલ ખેલાયો હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

હત્યાના આ ગંભીર ગુના બાદ સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલની ટીમોએ સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સ્પા તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ આ કૌભાંડમાં સામેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application