BREAKING NEWS

જામનગરમાં આજથી બે દિવસ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન શરૂ

  • December 27, 2025 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી આયોગના તા. ૧૧/૧૨/૨૦૨૫ના પત્રથી જાહેર કરાયેલા સુધારા મુજબ, હવે મતદારો પોતાના હક-દાવા અને વાંધા અરજીઓ આગામી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી રજૂ કરી શકશે. જામનગરમાં આજથી તમામ મતદાન મથકોએ બીએલઓ તેની ટીમ સાથે હાજર છે અને આજે અને આવતીકાલે મતદાર યાદીમાં નામ સુધારા-વધારા થઇ શકશે, ત્યારબાદ તા.૩ અને ૪ જાન્યુઆરીના રોજ પણ આ સુધારા-વધારા કરી શકાશે.


આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરવા માટે ફોર્મ નંબર-૬, નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર-૭ તથા મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા કે સ્થળાંતર માટે ફોર્મ નંબર-૮ ભરી શકશે. આ ઉપરાંત, જે મતદારોએ પોતાના આધાર પુરાવા રજૂ કરવાના બાકી હોય તેઓ પણ આ સુધારણા કાર્યક્રમનો લાભ લઈ શકશે.નાગરિકોની સરળતા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે અને આવતીકાલે તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યા થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તમામ બુથ લેવલ ઓફિસર પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. લાયકાત ધરાવતા તમામ નાગરિકો અને મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની અરજીઓ અને આધાર પુરાવા રજૂ કરે તેવો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


ઉપરાંત નવા મતદારો કે જેઓ તા.૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ પુરા કરે છે તેઓ નામ નોંધાવી શકે છે, નવી સુધારણા યાદી બહાર પડી ચુકી છે ત્યારે આ મુસદા યાદીમાં તમારૂ નામ છે કે નહીં તેની ખાતરી કરો, ઉપરાંત જે કિસ્સામાં મેપીંગ દેખાતું હોય ત્યાં બીએલઓ માંગે તે બધા આધાર પુરાવા રજૂ કરો. તા.૧૮ જાન્યુઆરીના રોજ આખરી મતદાર યાદી બહાર પડવાની છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા આજે અને આવતીકાલે તમામ મતદાન મથકો ઉપર આ અંગ ેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application