રાજકોટ મહાપાલિકામાં કાલે તા.૫ જૂનને શુક્રવારે બપોરે ૧૨ કલાકે નવનિયુક્ત ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાનાર છે, જેના એજન્ડામાં સોરઠિયાવાડી સર્કલે પવનપુત્ર ચોકમાં નવો ગાર્ડન, પારડી રોડ ઉપર વધુ એક કોમ્યુનિટી હોલ તેમજ ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવા સહિતની કુલ ૨૪ દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.
વોર્ડ નં.૧૪માં સોરઠિયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોકમાં આવેલા હયાત ગાર્ડનનું રિનોવેશન કરી નવો ગાર્ડન બનાવાશે જેમાં ૫૯૩૫ ચોરસ મીટરમાં ચોકીદાર રૂમ, અંડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક, લોન, પ્લાન્ટ્સ, સીસી ટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, ગ્લો ગાર્ડન તથા બગીચાની ફરતે પ્લીન્થ બનાવી નવી ગ્રિલ નાખવા સહિતના કામો કરવાની દરખાસ્ત અંગે નિર્ણય થશે. આ કામે ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત ત્રણ ટેન્ડર આવ્યા હતા જેમાં સૌથી ઓછા ૦.૮૮ ટકા ડાઉન ભાવની ઓફર કરનાર ચિત્રા કન્સ્ટ્રકશન કંપનીને રૂ.૩.૧૦ કરોડમાં કામ આપવા સૂચવ્યું છે.
આ ઉપરાંત વોર્ડ નં.૧૪માં પારડી રોડ ઉપર શેઠ હાઇસ્કુલની સામે ટી.પી.સ્કીમ નં.૫ના ફાઇનલ પ્લોટ નં.૨૩૧માં ગ્રાઉન્ડ પ્લસ સાત માળનું નવું ફાયર બ્રિગેડ સ્ટેશન બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા દરખાસ્ત રજૂ કરાઇ છે જેમાં રૂ.૨૩.૩૦ કરોડના એસ્ટિમેટ સાથે કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં બીજા પ્રયત્ને બે ટેન્ડર આવ્યા હતા તેમાં આઠ ટકા ડાઉન ભાવથી ઓફર રજૂ કરનાર આશિષ કન્સ્ટ્રકશનને ૨૧.૦૭ કરોડમાં કામ આપવા સૂચવ્યું છે તે અંગે નિર્ણય થશે.
જ્યારે વોર્ડ નં.૧૪માં પારડી રોડ ઉપર શેઠ હાઇસ્કુલની સામે રાજકોટ ટીપી સ્કિમ નં.૦૫ના ફાઇનલ પ્લોટ નંબર ૨૩૦માં ૧૯૦૦ ચોરસ મીટર સ્લેબ એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ, ફર્સ્ટ ફ્લોર ઉપર નોન એસી હોલ તથા સેકન્ડ ફ્લોર ઉપર એસી કોમ્યુનિટી હોલ બનાવવા ૧૭.૨૦ કરોડના એસ્ટિમેટ સાથે ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી જેમાં બે ટેન્ડર પૈકી લોએસ્ટ ઓફર રજૂ કરનાર ચિત્રા કન્સ્ટ્રકશનને ૨.૫૫ ટકા ઓનથી રૂ.૨૦.૮૨ કરોડમાં કામ આપવા સૂચવ્યું છે તે અંગે કમિટી નિર્ણય કરશે.