BREAKING NEWS

રાજકોટ પોલીસને રાજ્યના ગૃહ વિભાગની મોટી ભેટઃ બે નવા પોલીસ સ્ટેશનને મંજૂરી, જાણો ક્યાં પોલીસ મથકોનું વિભાજન કરાયું

  • August 14, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તી, વ્યાપ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજકોટ પોલીસ માટે વધુ બે નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. આ નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાથી નાગરિકોને પોલીસ સેવાઓ વધુ સરળ અને ઝડપથી ઉપલબ્ધ થશે તથા ગુનાખોરી પર વધુ સારી રીતે અંકુશ રાખી શકાશે.  


રાજકોટ શહેરમાં વહીવટી સરળતા ખાતર હાલના આજીડેમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારનું વિભાજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે હવે સરધાર અને માધાપર નવા પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે. આ બંને નવા પોલીસ મથકોને મંજૂરી મળતાની સાથે જ રાજકોટ શહેરમાં પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા વધીને ૧૭ થશે.  

નવા પોલીસ સ્ટેશનોની મંજૂરીની સાથોસાથ રાજકોટના ત્રણ અસ્તિત્વ ધરાવતા પોલીસ સ્ટેશનો અંતર્ગત નવી ચાર પોલીસ ચોકીઓ પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી ચોકીઓ શરૂ થવાથી આસપાસના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનશે.
 

ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દેવપરા અને અટીકા પોલીસ ચોકી કાર્યરત થશે. આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ લોઠડા પોલીસ ચોકી ફાળવવામાં આવી છે અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ આ વિસ્તાર હેઠળ ન્યુ રેસકોર્સ અટલ સરોવર પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં વધુ બે નવા પોલીસ મથકો મંજૂર થવાથી આગામી દિવસોમાં આ બંને નવા મથકો ખાતે જરૂરી પોલીસ સ્ટાફ, અધિકારીઓ અને આધુનિક સાધન-સામગ્રીની ફાળવણી અંગેની પ્રક્રિયા ધમધમાટ શરૂ કરવામાં આવશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ અંગેની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં જ આ નવા પોલીસ સ્ટેશનો સંપૂર્ણ કાર્યરત થઈ શકે.  

બીજી બાજુ, રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સ માટેના સ્વતંત્ર ડીસીપી પદ અંગે રજૂ કરવામાં આવેલી દરખાસ્ત હાલ પૂરતી નામંજૂર કરવામાં આવી છે. આમ છતાં, નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાના નિર્ણયથી રાજકોટ શહેર પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાગરિકોએ પણ સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણયને આવકાર્યો છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application