BREAKING NEWS

ઓગસ્ટ મહિનામાં અનાજ વિતરણ માટે રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા જાહેર

  • July 25, 2026 09:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ઓગસ્ટ-૨૦૨૬ મહિનાના અનાજ વિતરણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. વિભાગ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીઓ, નાયબ નિયામકો તેમજ તમામ વાજબી ભાવની દુકાનદારોને અનાજના જથ્થાનું સમયસર ઉઠાણ, વિતરણ અને લાભાર્થીઓને નિયમિત રીતે અનાજ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

વિભાગના પરિપત્ર મુજબ, ઓગસ્ટ મહિનામાં જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મળનારા અનાજના જથ્થાનું સમયસર આયોજન કરવામાં આવે. લાભાર્થીઓને અનાજ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ દુકાનદારોને નિયત સમયમર્યાદામાં અનાજનો જથ્થો ઉપાડી વિતરણ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ જિલ્લામાં અનાજના જથ્થાની સતત દેખરેખ રાખવા અને વિતરણની પ્રગતિનું નિયમિત મોનિટરિંગ કરવા અધિકારીઓને જણાવાયું છે. પરિપત્રમાં ખાસ કરીને વન નેશન, વન રેશન કાર્ડ યોજના હેઠળ અન્ય રાજ્ય અથવા જિલ્લાના રેશનકાર્ડ ધારકોને પણ નિયમો મુજબ અનાજ વિતરણ સુનિશ્ચિત કરવા ભાર મૂકવામાં આવ્યો છે. લાભાર્થી જ્યાં હોય ત્યાંથી સરળતાથી અનાજ મેળવી શકે તે માટે તમામ ઈ-પીઓએસ મશીનો કાર્યરત રાખવા તેમજ ટેક્નિકલ ખામીઓનું તાત્કાલિક નિવારણ કરવા સૂચના આપવામાં આવી છે. વિભાગે રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પણ ભાર મૂક્યો છે. જે લાભાર્થીઓની ઈ-કેવાયસી બાકી હોય તેમને સમયસર જાણ કરી પ્રક્રિયા પૂર્ણ કરાવવા તેમજ કોઈ પણ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા જણાવાયું છે. વિતરણ વ્યવસ્થામાં આંત્યોદ તથા બીપીએલ કેટેગરીના કાર્ડધારકો માટે એક થી ચાર સભ્યો સુધી કાર્ડદીઠ: ત્રણ કિલો ખાંડનું વિતરણ અંત્યોદય ધારકોને રૂ.૧૫/કિગ્રા બીપીએલ કાર્ડધારકોને રૂ. ૨૨/કિગ્રા ના ભાવે કરવાનું ઠરાવેલ છે. ઓગસ્ટ ૨૬ દરમિયાન વાજબી ભાવના દુકાનદારો રેગ્યુલર ખાંડના જથ્થા માટે ઓછામાં ઓછું શૂન્ય ટકા અને વધુમાં વધુ ૧૦૦ ટકા મુજબનું ચલણ કરી શકે.

આ ઉપરાંત અનાજના જથ્થાના ઉઠાણ, સંગ્રહ અને વિતરણ દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ સંબંધિત અધિકારીઓને નિયમિત ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. દુકાનદારોને દૈનિક વિતરણનો રેકોર્ડ જાળવવા અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ જાહેર વિતરણ પ્રણાલીને વધુ અસરકારક, પારદર્શક અને લાભાર્થીકેન્દ્રિત બનાવવાનો છે, જેથી દરેક પાત્ર નાગરિકને સમયસર અને સરળતાથી અનાજનો લાભ મળી રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application