BREAKING NEWS

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, ઉમરપાડામાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદ, સુરતમાં કાપડ માર્કેટ બંધ

  • July 31, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં આઠ કલાકમાં  ૧૨૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં દસ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ફરી વળ્યા છે.  

આઠ કલાકમાં બીજા ક્રમે ખેડા જિલ્લાનું નડિયાદ રહ્યું છે, જ્યાં ૭.૫૨ ઈંચ (૧૯૧ મીમી) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખેડાના વસોમાં ૬.૯૭ ઈંચ (૧૭૭ મીમી) વરસાદ પડતાં માર્ગો જળમગ્ન બન્યા છે. આણંદ જિલ્લાના બોરસદમાં ૬.૬૯ ઈંચ (૧૭૦ મીમી) અને ખંભાળિયા નજીકના ખંભાત તાલુકામાં ૬.૫ ઈંચ (૧૬૫ મીમી) આંકડો પહોંચ્યો છે.  

દક્ષિણ ગુજરાતના ભરૂચના નેત્રંગમાં ૬.૧ ઈંચ (૧૫૫ મીમી), આણંદના પેટલાદ અને નર્મદાના સાગબારામાં ૫.૯૮ ઈંચ (૧૫૨ મીમી), આણંદ તાલુકામાં ૫.૯૪ ઈંચ (૧૫૧ મીમી), તાપીના ડોલવણમાં ૫.૮૭ ઈંચ (૧૪૯ મીમી), સુરતના અંબિકામાં ૫.૭૫ ઈંચ (૧૪૬ મીમી), નર્મદાના ગરુડેશ્વરમાં ૫.૬૭ ઈંચ (૧૪૪ મીમી), સુરતના અરેથમાં ૫.૪૩ ઈંચ (૧૩૮ મીમી) તથા ડાંગના સુબિર અને સુરતના બારડોલીમાં ૫.૩૯ ઈંચ (૧૩૭ મીમી) વરસાદ વરસ્યો છે.  

આ ઉપરાંત ખેડાના મહુધામાં ૫.૨૪ ઈંચ, નર્મદાના તિલકવાડા ૪.૯૨ ઈંચ, તાપીના વાલોડ ૪.૮૮ ઈંચ, નવસારી તાલુકામાં ૪.૮૮ ઈંચ, નર્મદાના નંદોદમાં ૪.૮ ઈંચ, સુરતના પલસાણામાં ૪.૬૫ ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં ૪.૫૩ ઈંચ અને તાપીના વ્યારા તથા નિઝરમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

આઠ કલાકના આ ગાળામાં સુરત સિટીમાં ૩.૨૭ ઈંચ, અંકલેશ્વરમાં ૩.૦૭ ઈંચ, ભરૂચમાં ૨.૯૫ ઈંચ, બાલાસિનોરમાં ૨.૮ ઈંચ, વાગરા, કપડવંજ, પંચમહાલના હાલોલ, નવસારીના ચિખલી અને વડોદરા શહેર સહિત અનેક તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ વચ્ચે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે.  

જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટના જસદણ અને ગીર સોમનાથના ઊના સુધી વરસાદી ઝાપટાં પડ્યા છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે ખેડૂતો અને બળતણ લાઈનો તેમજ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.  


અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદમાં બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગુજરાત હાઇકોર્ટ વિસ્તાર, સુભાષબ્રિજ, વાડજ, ચાંદલોડિયા અને ગોતાથી લઈને આશ્રમ રોડ તથા પાલડી સુધીના પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. શાહીબાગ અંડરબ્રિજમાં માત્ર એક જ તરફનો અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


સુરતમાં ખાડીપૂરથી જળબંબાકાર

સુરત શહેરમાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ બાદ ફરી એકવાર ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થતાં આસપાસના રસ્તાઓ અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુર્યપુર ગરનાળામાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. સુરતમાં તમામ કાપડ માર્કેટ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ 15 જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત જળબંબાકાર અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application