તાપી જિલ્લાના સોનગઢ ખાતે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ કમેન્ટના મામલે ભારે કોમી તણાવ સર્જાયો હતો. ગત ૨૦ ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવરાત્રિ મહોત્સવને લઈને હિન્દુ સંગઠન દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોની કમેન્ટ સેક્શનમાં લઘુમતી સમાજના એક યુવકે ધાર્મિક લાગણી દુભાય તેવી વાંધાજનક કમેન્ટ કરી હતી, જેનો જૂના ગામ ફળિયા પાસે રહેતા એક સ્થાનિક યુવકે વળતો જવાબ આપ્યો હતો. આ કમેન્ટથી ઉશ્કેરાયેલા ૨૦ થી ૨૫થી વધુ લોકોના ટોળાએ તે યુવકના ઘરને ઘેરીને બેફામ પથ્થરમારો કર્યો હતો.
ભોગ બનનાર યુવકના જણાવ્યા મુજબ, વિવાદાસ્પદ કમેન્ટ બાદ પોલીસ અને સ્થાનિક શખસે આવીને કમેન્ટ ડિલીટ કરાવી દીધી હતી. પરંતુ સાંજે પાંચ વાગ્યાના અરસામાં 50થી 60 લોકોનું ટોળું ઘર પાસે આવી પહોંચ્યું હતું. સ્થિતિ પારખીને યુવકે ૧૧૨ નંબર પર કોલ કર્યો હતો. પોલીસ ટીમે આવીને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકને ગાડીમાં બેસાડતી વખતે પણ ટોળાએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે ઘરમાં ભાગીને દરવાજો બંધ કરી દીધો હોવા છતાં ટોળાએ ઈંટો અને પથ્થરોનો મારો ચાલુ રાખ્યો હતો. બાદમાં વધારાની પોલીસ ફોર્સ બોલાવીને યુવકને સહી-સલામત રીતે સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચાડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનો સોનગઢ પોલીસ સ્ટેશન બહાર એકત્રિત થઈ ગયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા એ જણાવ્યું હતું કે, લઘુમતી વિસ્તારમાં માત્ર ત્રણથી ચાર હિન્દુ કુટુંબો રહે છે અને તેમના પર આ પ્રકારનો હુમલો સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
સંગઠનના આગેવાનોએ વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને ત્વરિત ધરપકડ કરવાની, તેમના ગેરકાયદે દબાણો અને રોજગાર-ધંધા તપાસીને બુલડોઝર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. શરૂઆતમાં આજે સોનગઢ અચોક્કસ મુદત માટે બંધ રાખવાની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે ડીવાયએસપી ઈશ્વર પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પરથી કમેન્ટ હટાવી દીધી હોવા છતાં મનદુઃખ રાખીને ગેરકાયદેસર મંડળી રચી પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદા સાથે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. યુવકના પિતાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ કેસની આગળની તપાસ પી.આઈ. ડી.વી. ઢોલા ચલાવી રહ્યા છે. હાલમાં સોનગઢ નગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ અને શાંતિપૂર્ણ છે. તાપી જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.