ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો કાર્યકાળ 2 વર્ષ લંબાવાયો: હવે 2028 માં થશે નિવૃત્ત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો કાર્યકાળ 2 વર્ષ લંબાવાયો: હવે 2028 માં થશે નિવૃત્ત
September 29, 2026 10:52 PM
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના ચેરમેન તુષાર ધોળકિયાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા તેમના કાર્યકાળમાં વધુ 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. તુષાર ધોળકિયાનો હાલનો કાર્યકાળ તારીખ 30 સપ્ટેમ્બર ના રોજ પૂર્ણ થઈ રહ્યો હતો અને તેઓ નિવૃત્ત થવાના હતા. પરંતુ રાજ્ય સરકારે તેમના કાર્યકાળને લંબાવવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેથી હવે તેઓ વર્ષ 2028 સુધી પોતાના પદ પર કાર્યરત રહેશે.
તુષાર ધોળકિયાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રાજ્યમાં સરકારી ભરતી પ્રક્રિયાને પારદર્શી, ઝડપી અને સુચારુ બનાવવા માટે અનેક મહત્વના સુધારાઓ કર્યા છે. ભૂતકાળમાં વિવિધ ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ અને ગેરરીતિઓના વિવાદો સર્જાયા બાદ તુષાર ધોળકિયાની આગેવાની હેઠળ મંડળે કડક સુરક્ષા વ્યવસ્થા અને ટેકનોલોજી આધારિત પરીક્ષા પદ્ધતિઓ અપનાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થઈ હતી, જેના કારણે ઉમેદવારોમાં મંડળ પ્રત્યેનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે.