ગુજરાત ATSએ નવસારીમાંથી એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે. નવસારીમાં દરજી કામ કરતો ફૈઝાન છેલ્લા કેટલાક સમયથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવી આતંકી સંસ્થાઓની વિચારધારાથી પ્રભાવિત થઈ કટ્ટરપંથી બન્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ સાત લોકોની યાદી તૈયાર કરી હતી
ATSની પ્રાથમિક તપાસ અનુસાર ફૈઝાને ઇસ્લામ અને પયગંબર વિરુદ્ધ નિવેદન આપનાર લોકોની યાદી તૈયાર કરી હતી. આ યાદીમાં કુલ સાત લોકોના નામ સામેલ હતા, જેમને જાહેરમાં અને દુનિયા જોઈ શકે તે રીતે મારી નાંખવાનો પ્લાન હતો. યાદીમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, યુધી રાણા, ગૌરવ રાજપૂત, ડૉ. પ્રકાશ, અક્કુ પંડિત અને વિક્રાંતના નામ સામે આવ્યા છે. આ અંગે ફૈઝાને વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હોવાનું ATSએ જણાવ્યું છે.
અરબી ભાષામાં લખાયેલું 29 પાનાનું ઉશ્કેરણી કરતું સાહિત્ય મળ્યું
તપાસ દરમિયાન આરોપી પાસેથી ગેરકાયદેસર હથિયારો, રિવોલ્વર, કારતુસ, દારૂગોળો તેમજ ઉર્દૂ અને અરબી ભાષામાં લખાયેલું 29 પાનાનું ઉશ્કેરણી કરતું સાહિત્ય મળ્યું છે. ઉપરાંત તે અબુ બકર નામના વ્યક્તિના સંપર્કમાં રહીને મોટા જેહાદી હુમલાની તૈયારીઓ કરતો હોવાનું ખુલ્યું છે. ATS માને છે કે અબુ બકર મારફતે તે અન્ય આતંકી નેટવર્ક્સ સાથે પણ જોડાયેલો હોઈ શકે છે.
આરોપી પ્રિમિયમ ટેલિગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતો
ફૈઝાને હથિયાર કોને પાસેથી મેળવ્યા તેની સ્પષ્ટ માહિતી હજુ મળી નથી. પૂછપરછ દરમિયાન તેણે હથિયાર અજાણ્યા વ્યક્તિ પાસેથી મળ્યા હોવાનું રટણ કર્યું છે. ATS દ્વારા હથિયાર આપનાર વ્યક્તિને ઝડપવા તપાસ તેજ કરવામાં આવી છે. સાથે જ ફૈઝાનના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ, સોશિયલ મીડિયા એક્ટિવિટી અને ટેલિગ્રામ ચેટ્સની વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી પ્રિમિયમ ટેલિગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો, જે ક્યાંથી અને કેવી રીતે મળ્યું તે પણ તપાસનો વિષય છે.
ATSએ ઝારાવાડ વિસ્તારમાં ઓપરેશન કર્યું હતું
ATSએ બાતમીના આધારે નવસારીના અકશા મસ્જિદ પાછળ આવેલા ઝારાવાડ વિસ્તારમાં ઓપરેશન કર્યું હતું. લગ્નની સીઝનને કારણે ઉત્તરપ્રદેશના અનેક કારીગરો દરજી કામ માટે નવસારી આવ્યા હતા, જેમાં ફૈઝાન પણ સામેલ હતો. સહકારી કારીગરોના જણાવ્યા મુજબ ફૈઝાન મોબાઈલમાં શંકાસ્પદ અને જેહાદી વીડિયો જોતો હતો અને કોઈ નજીક આવે ત્યારે વીડિયો બંધ કરી દેતો હતો.
ATSને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ફૈઝાનને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે ATSને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATSના અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી ભારતથી કાશ્મીરને અલગ કરવાની આતંકી યોજનામાં પણ સંડોવાયેલો હતો. સમગ્ર મામલે ATS દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.