BREAKING NEWS

ગુજરાત પર મોટું સંકટ ટળ્યું: આંતકીઓ કાચની બરણીમાં ઝેરી ગેસ બનાવતા, કેમિકલ બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર

  • July 19, 2026 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુર વિસ્તારમાંથી ઝડપાયેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ૧૩ આતંકવાદીઓની પૂછપરછમાં સતત ચોંકાવનારા અને કંપાવી દેનારા ખુલાસા થઈ રહ્યા છે. આ શાતિર આતંકીઓ ગુજરાતની શાંતિ ડહોળવા અને કોઈ મોટી આત્મઘાતી ઘટનાને અંજામ આપવા માટે સિદ્ધપુર નજીક આઠ વખત બોમ્બ બ્લાસ્ટનું ગુપ્ત ટેસ્ટિંગ કરી ચૂક્યા હતા. એટલું જ નહીં, દેશવિરોધી પ્રવૃત્તિઓને વધુ ઘાતક બનાવવા માટે આતંકીઓએ જુદા-જુદા પુસ્તકોના આધારે એક નવો જ કીમિયો અપનાવીને કેમિકલ વેપન એટલે કે ઝેરી વાયુ બનાવવાની નવી પદ્ધતિ વિકસાવવાનો ખતરનાક પ્રયાસ પણ કર્યો હતો.


પાકિસ્તાની આકાઓ સાથે સીધો સંપર્ક

ATSની સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, પકડાયેલા કુલ ૧૩ આતંકવાદીઓ પૈકી ૫ મુખ્ય આતંકીઓ સીધા જ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને સંગઠનના ઉચ્ચ આકાઓ સાથે સતત સંપર્કમાં હતા. સુરક્ષા એજન્સીઓને તપાસ દરમિયાન તેમની પાસેથી જૈશના મુખ્ય મુખિયા મૌલાના અઝહર મસૂદને ઉદ્દેશીને લખવામાં આવેલા કેટલાક ગુપ્ત પત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓએ પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલી સામગ્રી અને પુસ્તકોના આધારે ઝેરી ગેસ બનાવવાની સઘન તાલીમ મેળવી હોવાની વિગતોથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.


ઘાતક કેમિકલ વેપન બનાવવાની ફોર્મ્યુલા

આતંકીઓ દ્વારા લો-કોસ્ટ કેમિકલ વેપન તૈયાર કરવા માટે એક વિચિત્ર અને જોખમી પ્રક્રિયા અપનાવવામાં આવતી હતી. તેઓ કાચની એક સંપૂર્ણ હવાચુસ્ત બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક અન્ય ઘાતક કેમિકલ્સ એકત્ર કરી મિક્સ કરતા હતા. ત્યારબાદ આ મિશ્રણ વાળી બરણીને અંદાજે ૧૫ દિવસ સુધી જમીનની નીચે દાટી રાખવામાં આવતી હતી. આ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થતાં જ બરણીની અંદર એક અત્યંત જીવલેણ ગેસ તૈયાર થતો હતો. આ કેમિકલ વેપનનો ઉપયોગ તેઓ ગુજરાતમાં કયા ચોક્કસ સ્થળે કે ટાર્ગેટ પર કરવાના હતા, તે દિશામાં હાલ એટીએસની ટીમ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.


મદરેસાઓમાં માસૂમ યુવાનોનું બ્રેઇનવોશ

આ આતંકી મોડ્યુલનું નેટવર્ક સ્થાનિક સ્તરે કેટલું ઊંડું ઉતરેલું હતું તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સંગઠન દ્વારા મોકલવામાં આવેલી સામગ્રીના આધારે ૪૩ જેટલી જેહાદી પુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી હતી. આ પુસ્તિકાઓનું જુદી-જુદી મદરેસાઓમાં ગુપ્ત રીતે વિતરણ કરીને ઝેરીલો પ્રચાર કરવામાં આવતો હતો. આતંકીઓ ખાસ કરીને મદરેસાઓમાં ભણતા માસૂમ કિશોરો અને તરુણોને પોતાના નિશાના પર લેતા હતા. જે યુવાનોમાં સહેજ પણ ઉગ્રવાદી માનસિકતા કે દેશવિરોધી વલણ દેખાય, તેને ખાસ ‘દાવત’ (ભોજન સમારંભ)ના બહાને બોલાવવામાં આવતા હતા અને ત્યાં ધાર્મિક કટ્ટરતાનો પાઠ ભણાવી, બ્રેઇનવોશ કરીને આતંકના રસ્તે ધકેલવામાં આવતા હતા.


હથિયારોની તાલીમ અને ગુપ્ત બેઠકો

ઝડપાયેલા આતંકીઓ પૈકીના કેટલાક શાતિર તત્વો અગાઉ જમ્મુ-કાશ્મીર જઈને ઘાતક હથિયારો ચલાવવાની અને વિસ્ફોટકોનો ઉપયોગ કરવાની સઘન તાલીમ મેળવીને ગુજરાત પરત ફર્યા હતા. તેમણે આગામી સમયમાં ગુજરાતના મોટા શહેરોને નિશાન બનાવવાના હેતુથી વડોદરા અને ભરૂચ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં અનેક ગુપ્ત બેઠકો પણ યોજી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સમગ્ર આતંકી નેટવર્કનો મુખ્ય સૂત્રધાર અને આકા અમદાવાદ આસપાસના વિસ્તારોમાં મોટો ગાર્ડન ધરાવતી વૈભવી હોટલોમાં રોકાઈને આખી ઓપરેશનલ ચેઈન ચલાવતો હતો. હાલ એટીએસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ મુખ્ય આકાને ઝડપી પાડવા માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application