ગુજરાતમાં ઈ-ચલણ વ્યવસ્થામાં છેલ્લા ચાર વર્ષમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. રાજ્યસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ વર્ષ 2021થી 30 જુલાઈ, 2026 સુધી ગુજરાતમાં કુલ 1 કરોડ 99 લાખ 39 હજાર 464 ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે. 2021થી અત્યાર સુધી કુલ 1,607.64 કરોડ રૂપિયાના ઈ-ચલણની વસૂલાત બાકી છે. જોકે, ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધતા ઈ-ચલણની સાથે વસૂલાત ન થતી રકમ પણ ઝડપથી વધી રહી હોવાથી સરકાર માટે નવી ચિંતા ઉભી થઈ છે. સરકારી આંકડા મુજબ વર્ષ 2021માં એકપણ ઈ-ચલણ નોંધાયું નહોતું. ત્યારબાદ 2022માં 2.84 લાખ, 2023માં 16.05 લાખ, 2024માં 43.25 લાખ, જ્યારે 2025માં આ સંખ્યા વધીને 85.74 લાખ પહોંચી હતી. માત્ર 30 જુલાઈ, 2026 સુધીમાં જ રાજ્યમાં 51.52 લાખ ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. એટલે કે માત્ર ત્રણ વર્ષમાં ઈ-ચલણની સંખ્યામાં લગભગ 30 ગણો વધારો થયો છે. વર્ષ 2025 એકલા જ કુલ ઈ-ચલણના આશરે 43 ટકા માટે જવાબદાર રહ્યું હતું. ગુજરાત ઈ-ચલણ જારી કરનાર રાજ્યોમાં દેશભરમાં પાંચમા ક્રમે રહ્યું છે. વર્ષ 2025માં ઉત્તર પ્રદેશમાં 1.93 કરોડ, કેરળમાં 1.01 કરોડ, દિલ્હીમાં 96.13 લાખ, તમિલનાડુમાં 89.41 લાખ અને ગુજરાતમાં 85.74 લાખ ઈ-ચલણ નોંધાયા હતા. બીજી તરફ, વસૂલાત ન થયેલી દંડની રકમમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021માં બાકી દંડની રકમ 29.05 કરોડ રૂપિયા હતી, જે 2022માં 40.42 કરોડ, 2023માં 123.22 કરોડ, 2024માં 276.28 કરોડ અને 2025માં વધીને 645.35 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. 30 જુલાઈ, 2026 સુધીમાં પણ 493.32 કરોડ રૂપિયાની દંડ રકમ બાકી હોવાનું નોંધાયું છે. 2021થી અત્યાર સુધી કુલ 1,607.64 કરોડ રૂપિયાના ઈ-ચલણની વસૂલાત બાકી છે. આંકડા દર્શાવે છે કે ટ્રાફિક નિયમોના ભંગ સામે ડિજિટલ કાર્યવાહી ઝડપથી વધી રહી છે, પરંતુ દંડની અસરકારક વસૂલાત હજુ પણ મોટો પડકાર છે. કેન્દ્ર સરકારે 2026માં નવા નિયમો અમલમાં મૂક્યા છે, જેમાં સમયસર દંડ ન ભરનારાઓ સામે વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓ પર પ્રતિબંધ સહિતની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, એક વર્ષમાં પાંચ કે તેથી વધુ ટ્રાફિક ભંગ કરનાર ડ્રાઇવરોનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી પણ શક્ય બનશે. નિષ્ણાતોના મત મુજબ હવે સરકાર માટે માત્ર વધુ કેમેરા લગાવીને ઈ-ચલણ જારી કરવું પૂરતું નથી. ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે બાકી દંડની અસરકારક વસૂલાત અને કડક અમલવારી પર વધુ ભાર મૂકવો જરૂરી બન્યો છે.