ગુજરાત સરકારે રાજ્યના એનસીસી વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લીધો છે. અત્યાર સુધી સરકારી અને અનુદાનિત શાળાઓ-કોલેજોના એનસીસી કૅડેટ્સને રાષ્ટ્રીય કક્ષાના વિવિધ કેમ્પોમાં ભાગ લેવા માટેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હતો. તેની સામે ખાનગી શાળાઓ અને કોલેજોના કૅડેટ્સે આ તમામ ખર્ચ પોતે ભોગવવો પડતો હતો અથવા જે-તે સંસ્થાએ ઉપાડવો પડતો હતો. હવે રાજ્ય સરકારે આ ભેદભાવ દૂર કરીને ખાનગી સંસ્થાઓના એનસીસી કૅડેટ્સનો તમામ ૧૦૦ ટકા ખર્ચ પોતે ભોગવવાની જાહેરાત કરી છે.
દર વર્ષે એનસીસીના કૅડેટ્સ રિપબ્લિક ડે કેમ્પ, થલ સૈનિક કેમ્પ, વાયુ સૈનિક કેમ્પ, નૌ સૈનિક કેમ્પ, યુથ એક્સચેન્જ પ્રોગ્રામ તેમજ અન્ય રાષ્ટ્રીય કક્ષાની પ્રવૃત્તિઓમાં પસંદગી પામતા હોય છે. સરકારી સંસ્થાઓના વિદ્યાર્થીઓને આ કેમ્પોમાં જવા માટે ટ્રાવેલિંગ એલાઉન્સ, મિસિંગ, જર્ની રેશન, ઈન્સિડેન્ટલ ચાર્જીસ અને પીઓએલ જેવા તમામ ભથ્થાં કેન્દ્ર સરકાર તરફથી મળે છે. રાષ્ટ્રીય સ્તરના મુખ્ય કેમ્પ સુધી પહોંચવા માટે એક કૅડેટ્સે ઓછામાં ઓછા ચારથી પાંચ સ્પર્ધાત્મક પસંદગી કેમ્પોમાંથી પસાર થવું પડે છે, જેના કારણે આર્થિક ભારણ ખૂબ વધી જતું હોય છે.
આ આર્થિક બોજને કારણે ખાનગી શાળાઓ અને કોલેજોના અનેક તેજસ્વી અને પ્રતિભાશાળી કૅડેટ્સ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા હોવા છતાં કેમ્પમાં ભાગ લેવાનું ટાળતા હતા અથવા અનિચ્છા દર્શાવતા હતા. પરિણામે, યોગ્યતા હોવા છતાં આર્થિક સ્થિતિના લીધે અનેક યુવાનો પોતાની પ્રતિભા દર્શાવવાથી વંચિત રહી જતા હતા. રાજ્યના તમામ એનસીસી કૅડેટ્સને સમાન તક અને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા આ આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ યોજનાને અમલી બનાવવા માટે એનસીસી નિયામક કચેરી દ્વારા રાજ્ય સરકારને એક વિશેષ દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી આપતાં શિક્ષણ વિભાગે વિધિવત રીતે ઠરાવ પણ બહાર પાડી દીધો છે. આ મંજૂરી અન્વયે ખાનગી શાળાઓ-કોલેજોના કૅડેટ્સને પણ સરકારી કૅડેટ્સની જેમ જ તમામ ભથ્થાં ચૂકવવામાં આવશે અને આ માટે થનારો તમામ ૧૦૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી ભોગવશે.
સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં ભણતા હજારો વિદ્યાર્થીઓને નવું બળ મળશે. આર્થિક અસમાનતા દૂર થવાથી હવે વધુને વધુ યુવાનો એનસીસીમાં જોડાવા માટે પ્રેરિત થશે. આ પગલાથી રાજ્યમાં એનસીસીનો વ્યાપ વધશે અને દેશસેવા તેમજ શિસ્તના માર્ગે આગળ વધવા માંગતા ગુજરાતના યુવાનોને રાષ્ટ્રીય ફલક પર પોતાની ક્ષમતા સાબિત કરવાની શ્રેષ્ઠ તક સાંપડશે.