BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તા.૨૧ સપ્ટેમ્બરે મળશે

  • September 11, 2026 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આગામી તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાનાર છે. જિલ્લા પંચાયત કચેરી દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ બેઠકમાં વિવિધ વહીવટી તથા વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી મુજબ, બેઠકની શરૂઆતમાં તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ની ખાસ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા અંગેનો મુદ્દો રજૂ થશે. ત્યારબાદ પ્રશ્નોત્તરી માટે અધ્યક્ષની મંજૂરીથી પ્રશ્નો સ્વીકારવાની જોગવાઈ રાખવામાં આવી છે. અગાઉની સભાઓમાં લેવાયેલા નિર્ણયો અંગે હાથ ધરાયેલી કામગીરીનો અહેવાલ પણ સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. એજન્ડામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની બેઠકોની કાર્યવાહી નોંધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર બાંધકામ, શિક્ષણ, કારોબારી, ઉત્પાદન સહકાર અને સિંચાઈ, સામાજિક ન્યાય, આદિવાસી, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ તથા જાહેર આરોગ્ય સહિતની સમિતિઓની બેઠકોમાં થયેલી કાર્યવાહી સભ્યો સમક્ષ મૂકવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષ અધિકારીએ દાખલ કરેલ તાત્કાલિક સત્તાવાર કામકાજ સંબંધિત બાબતો, પંચાયતને વિચારણા માટે જાણ કરવામાં આવેલી બાબતો તથા કાર્યસૂચિમાં ફેરફાર અંગેના ઠરાવ હોય તો તેની ચર્ચા પણ કરવામાં આવશે. ખાસ કરીને વિકાસ વિભાગ હેઠળ ૧૫મા નાણાપંચ તથા જિલ્લા કક્ષાના આયોજન અંતર્ગત ૨૦૨૦-૨૧થી ૨૦૨૫-૨૬ સુધીના સમયગાળામાં ફાળવાયેલા કામો, વ્યાજની રકમના કામો તથા ૧૫મા નાણાપંચ જિલ્લા કક્ષાના આયોજન અંતર્ગત નવા કામો અંગેની દરખાસ્ત મહત્વની બની શકે છે. ઉપરાંત શાપર અને વેરાવળ ગ્રામ પંચાયતના ઠરાવને સમર્થન આપી સરકારમાં દરખાસ્ત મોકલવા અંગે પણ ચર્ચા થવાની છે. અંતે અધ્યક્ષની પરવાનગીથી રજૂ થનારી બાબતો સાથે બેઠક પૂર્ણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application