ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેલ કુંભ વિશે માહિતી આપતા કલેકટરે રાજકોટ જિલ્લાના યુવાનો, વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓ પોતાની પ્રતિભા ઉજાગર કરે તેવો અનુરોધ કર્યો છે.સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ફ્લેગશિપ કાર્યક્રમ 'ખેલ મહાકુંભ-૨૦૨૬'નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરી શકાય, તે આશયથી રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના વધુને વધુ યુવાનો, વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓ ખેલ મહાકુંભમાં જોડાઈને પોતાની પ્રતિભા ઉજાગર કરે, તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવે. શાળા-કોલેજો, યુનિવર્સિટી તથા સ્પોર્ટ્સ ક્લબોને સ્થાનિક સ્તરે ઓનલાઈન રજિસ્ટ્રેશન અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી. નોંધનીય છે કે, ગત તા. ૨૯ ઓગસ્ટના રોજ 'નેશનલ સ્પોર્ટ્સ ડે'થી ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે ખેલ મહાકુંભ અંતર્ગત કુલ ૩૯ જેટલી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ ખેલાડીઓ પોતાની ક્ષમતા મુજબ ભાગ લઈ શકે, તે માટે વિવિધ વયજૂથો અનુસાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દરેક ખેલાડી મહત્તમ બે રમતોમાં ભાગ લઈ શકશે. એક જ કે.એમ.કે આઇ.ડી.થી બે રમતોમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે અને વિજેતા થશે તો જ રોકડ પુરસ્કરા મળવા પાત્ર થશે. અગાઉથી આઇ.ડી ધરાવતા ખેલાડીઓએ પોતાની જૂની આઇ.ડી.થી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તેમજ ઓપન એજ ગ્રૂપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ શાળા મારફતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત, ૪૦ અને ૫૦ વર્ષથી ઉપરના ખેલાડીઓ, ઓપન એજ ગ્રૂપના ખેલાડીઓ તેમજ અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતાની વયજૂથ મુજબ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ તકે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી રમા મદ્રા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, એ.સી.પી. મુનાફખાન પઠાણ, ડી.વાય.એસ.પી. વિક્રમ વ્યાસ, શહેરની વિવિધ કોલેજ-સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.