શહેરના નાગેશ્વર વિસ્તારમાં ફાયરિંગ પ્રકરણમાં રામદેવ ડાંગરને હથિયાર પૂરું પાડનાર આજીવન કેદની સજાના પાકા કામના કેદીનો એસઓજીએ સાબરમતી જેલમાંથી કબ્જો મેળવ્યો હતો. એસઓજીએ ગેરકાયદે હથિયારના વેપલાની આખી કડી મેળવવા બોટાદના સપ્લાયરના રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગત મે મહિનામાં નાગેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં રામદેવ ડાંગરની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કુખ્યાત ભરત કુગશીયાનું નામ ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ભરત કુગશિયા પાસેથી વધારાનું એક હથિયાર પણ મળી આવ્યું હતું. જે મામલે પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના નેતૃત્વ હેઠળ ક્રાઇમ બ્રાન્ચે રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર, કુલદીપસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા, સતીશ મેરામભાઇ બાલાસરા, ભરત રઘુભાઇ કુગશિયા અને જનક મુળુભાઈ ડાંગર વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. દરમિયાન રામદેવ ડાંગરની પૂછતાછ કરતા તેને હથિયાર બોટાદના જસ્મીન કોઠારી નામના શખસે આપ્યાની કબૂલાત આપી હતી. જેથી એસઓજીએ જસ્મીન કોઠારીની કુંડળી તપાસતા તેને બોટાદમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યાનું સામે આવ્યું હતું. જે બાદ જસ્મીન પેરોલ મેળવી ભૂગર્ભમાં ઉતરી ગયાનું ધ્યાને આવ્યું હતું. દરમિયાન બોટાદ એલસીબીએ જસ્મીનને પકડી ફરી સાબરમતી જેલ હવાલે કરતા એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.વી. ધ્રાંગુ તથા ટીમે જસ્મીન ભરતભાઈ કોઠારી (ઉવ 45 રહે. બોટાદ)નો સાબરમતી જેલમાંથી કબ્જો મેળવી આગળની તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.