લોકમેળાની હરાજીમાં બાકી રહેલા ૧૧ પ્લોટોનો સફળતાપૂર્વક નિકાલ કરાયો
લોકમેળાની હરાજીમાં બાકી રહેલા ૧૧ પ્લોટોનો સફળતાપૂર્વક નિકાલ કરાયો
August 07, 2026 02:23 PM
રાજકોટમાં યોજાનારા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેળાના વિવિધ પ્લોટો અને સ્ટોલની ફાળવણી માટે હાથ ધરાયેલી હરાજી પ્રક્રિયામાં બાકી રહેલા ૧૧ પ્લોટોનો પણ સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. આ હરાજીથી વહીવટી તંત્રને વધુ રૂ. ૧૧ લાખ જેટલી આવક પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
લોકમેળા દરમિયાન વેપારીઓ અને ધંધાર્થીઓને વિવિધ પ્રકારના સ્ટોલ તથા પ્લોટ ફાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ગત ત્રણ દિવસ દરમિયાન હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉની હરાજીમાં મોટાભાગના પ્લોટોનો નિકાલ થયા બાદ બાકી રહેલા ૧૧ પ્લોટ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇચ્છુક અરજદારો દ્વારા ભાગ લેવામાં આવતા તમામ ૧૧ પ્લોટોનો નિકાલ થયો છે. પરિણામે વહીવટી તંત્રની આવકમાં વધુ રૂ. ૧૧ લાખનો વધારો થયો છે. અત્યાર સુધીમાં જોવા જઈએ તો તંત્રને અંદાજે કુલ રૂ.૩.૧૧ કરોડ જેવી આવક થઈ ચૂકી છે. દરમિયાન લોકમેળામાં રમકડાંના બાકી રહેલા પાંચ સ્ટોલ માટે પણ વધુ પ્રક્રિયા ચાલી રહી છે. સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સ્ટોલની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સિવાય લોકમેળામાં બ્રાન્ડિંગ સહિત સિક્યુરિટી માટે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઓનલાઇન કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં બ્રાન્ડિંગનો કોન્ટ્રાક્ટ આશરે ૧૫ થી ૧૭ લાખ હોવાનું જાણવા મળી રહ્યું છે. વિશેષ રીતે લોકમેળામાં ૧૨૫ જેટલા સિક્યુરિટી ગાર્ડને જવાબદારી આપવામાં આવી શકે તેમ છે. જેની ડ્યુટી સવાર, બપોર અને સાંજ એમ કુલ ત્રણ સિફ્ટમાં ચાલશે. તેમજ તેઓ માટેનું આર્થિક પાસું વેતન ધારાને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવશે.