BREAKING NEWS

એલપીજીના ભાવથી લઈને કાર મોંઘી થવા સુધી...1 સપ્ટેમ્બરથી થશે તમારા ખિસ્સા પર અસર કરતા આ 5 મોટા ફેરફાર

  • August 28, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે સામાન્ય માણસના ઘરખર્ચથી લઈને કાર ખરીદી અને વિદેશ પ્રવાસ સુધી અસર કરે એવા કેટલાક મહત્વના ફેરફારો થવાના છે. ૧ સપ્ટેમ્બરથી એલપીજી, એટીએફ સહિતના ઇંધણના નવા ભાવ જાહેર થશે, ટાટા અને હ્યુન્ડાઈની કાર મોંઘી થશે, જ્યારે વિદેશ જતા પ્રવાસીઓ માટે એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયામાં પણ ફેરફાર થવાના અહેવાલ છે.


એલપીજીના નવા ભાવ જાહેર થશે

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. તેથી ૧ સપ્ટેમ્બરે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે. ૧ ઓગસ્ટે ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૨૦૨નો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ૧૪.૨ કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. હવે સપ્ટેમ્બરમાં ઘરેલુ ગેસના ભાવ બદલાય છે કે કેમ તેના પર ગ્રાહકોની નજર રહેશે.


એલપીજી ઈ-કેવાયસી માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય

ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના ઘરેલુ એલપીજી ગ્રાહકો માટે ઈ-કેવાયસી મહત્ત્વની બની છે. ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. ઈ-કેવાયસી નહીં કરાવનાર ગ્રાહકોને ૧ સપ્ટેમ્બર પછી સબસિડીવાળા કે હાલના દરે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. ગેસ કંપનીઓ ગ્રાહકોને ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સતત સૂચના આપી રહી છે.


એટીએફ, સીએનજી અને પીએનજીના ભાવ પણ બદલાઈ શકે

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પણ સુધારો કરે છે. એટીએફના ભાવ વધે તો એરલાઈન્સના ખર્ચમાં વધારો થાય અને તેની અસર વિમાન ભાડાં પર પણ પડી શકે છે. આ સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.


કાર રૂ. ૨૫ હજાર સુધી મોંઘી થશે

નવા મહિનાની શરૂઆત કાર ખરીદનારાઓ માટે મોંઘી પડશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે ૧ સપ્ટેમ્બરથી પોતાની કાર અને એસયુવીના ભાવમાં રૂ. ૨૫ હજાર સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારો પેટ્રોલ-ડીઝલ એટલે કે આઈસીઈ વાહનો ઉપરાંત ઈલેક્ટ્રિક કારને પણ લાગુ પડશે. જુદા મોડેલ અને વેરિઅન્ટ પ્રમાણે ભાવવધારો અલગ રહેશે.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા પણ ૧ સપ્ટેમ્બરથી કારના ભાવમાં લગભગ એક ટકાનો વધારો કરશે. તેના કારણે રૂ. ૧૦ લાખની કાર આશરે રૂ. ૧૦ હજાર અને રૂ. ૨૦ લાખની કાર આશરે રૂ. ૨૦ હજાર સુધી મોંઘી થઈ શકે છે. ગ્રાન્ડ આઈ૧૦ નિઓસ, આઈ૨૦, એક્સટર, વેન્યુ, ક્રેટા, વર્ના અને અલ્કાઝાર સહિતના મોડેલ પર તેની અસર થશે. કંપનીએ વધતા ઈનપુટ ખર્ચને ભાવવધારાનું કારણ ગણાવ્યું છે.


વિદેશ જતા પ્રવાસીઓ માટે એરપોર્ટ પર રાહત

વિદેશ પ્રવાસીઓ માટે પણ ૧ સપ્ટેમ્બરથી મહત્ત્વનો ફેરફાર થવાના અહેવાલ છે. અત્યાર સુધી ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. નવા ફેરફાર હેઠળ બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પની જરૂર નહીં રહે અને પ્રવાસી મોબાઈલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ફેરફારથી એરપોર્ટ પર મુસાફરોનો સમય બચશે અને ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application