BREAKING NEWS

ગોંડલ પ્રાંત અધિકારીની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇ-મેઇલમાં “કોઈમ્બતુર 1997 ઓપરેશન”નો ઉલ્લેખ, અફરાતફરી મચી

  • January 09, 2026 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ શહેરમાં આવેલી પ્રાંત અધિકારી (RDO) કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ દ્વારા મળેલી ધમકીથી આજે ભારે ચકચાર મચી ગઈ હતી. ધમકી મળતાની સાથે જ સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ RDO કચેરીના અધિકારીક ઈ-મેઈલ પર અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેઈલમાં “કોઈમ્બતુર 1997 ઓપરેશન”નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનાથી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ હતી. એટલું જ નહીં, આ ઈ-મેઈલમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અજિતકુમારને નિશાન બનાવવાની પણ ધમકી આપવાનો ઉલ્લેખ હોવાને કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો.


ધમકીની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર RDO કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી અને કચેરીના દરેક રૂમ, દસ્તાવેજ વિભાગ, પાર્કિંગ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાંબી તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી, જેથી રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ગુજરાતની અન્ય અદાલતો તેમજ કલેક્ટર કચેરીઓને પણ આ પ્રકારની સમાન ધમકીઓ મળી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે. પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ઈ-મેઈલ કરનારની ઓળખ અને સ્થાન શોધવા માટે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ધમકીઓ પાછળ કોઈ શરારતી તત્વો કે સંગઠિત સાઇબર ગુનાહિત પ્રવૃત્તિ હોવાની શક્યતા નકારી શકાતી નથી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ સતર્ક સ્થિતિમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application