ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ગોંડલ તાલુકાના મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર અચાનક 8 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ખાબકતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોને બહાર નીકળવાની તક મળે તે પહેલાં જ તેઓ જીવતા ભુંજાઈ ગયા હતા. સમગ્ર ઘટનાએ આસપાસના વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી છે.
ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવ્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, વહેલી સવારે સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માત અંગે કોલ મળ્યો હતો. જાણવા મળ્યું છે કે હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પૂરઝડપે ગોંડલ તરફ જઈ રહી હતી. દરમિયાન, મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચેના પુલ પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ ભભૂકી ઊઠી હતી.
ગણતરીની સેકન્ડોમાં આખી કાર અગનગોળો બની
આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની સેકન્ડોમાં આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાનો કે બહાર નીકળવાનો મોકો પણ મળી શક્યો ન હતો. કારમાંથી ઊઠતી જ્વાળાઓ અને ધુમાડો દૂરથી પણ દેખાતો હતો, જેને જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને જાણ કરી હતી.
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતાં જ ગોંડલ ફાયર ફાઈટર ટીમ તેમજ ‘112 જનરક્ષક’ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ બુઝાવવામાં આવી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ચૂકી હતી. ફાયર વિભાગ દ્વારા કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના માનવ હાડપિંજર મળી આવ્યા હતા, જે અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ કરે છે. વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માત પાછળ અનેક કારણોની ચર્ચા થઈ રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ, વહેલી સવારે હાઈવે પર છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોઈ શકે છે. સાથે જ ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં અથવા ઝડપ વધુ હોવાના કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતકોની ઓળખ માટેની કાર્યવાહી શરૂ કરી
હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરી મૃતકોની ઓળખ માટેની કાર્યવાહી શરૂ કરી છે. કારના નંબર પ્લેટ, એન્જિન નંબર અને અન્ય વિગતોના આધારે વાહનના માલિક તથા મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ દુર્ઘટનાને પગલે ગોંડલ પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને ફરી એકવાર હાઈવે પર વાહનચાલકો માટે સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે.