નર્મદા કેનાલના મેન્ટેનન્સ સબબ લેવાયેલા શટ ડાઉનના કારણે રાજકોટને નર્મદાનીર મળવાનું બંધ થતા આજે પોણું રાજકોટ તરસ્યું રહ્યું હતું. આજે એક સાથે ૧૩ વોર્ડમાં પાણીકાપ મૂકવામાં આવતા દેકારો બોલી ગયો હતો.
આજે વોર્ડ નં.૧,૨,૩,૪,૫,૬,૭, ૯,૧૦,૧૧, ૧૨, ૧૩ અને ૧૫ હેઠળના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેતા ગૃહિણીઓમાં કકળાટ સર્જાઇ ગયો હતો.
હાલ ભર ચોમાસે નર્મદાનીર મળવાનું બંધ થતા આવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે ઉનાળામાં શું હાલ થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા પાઈપ લાઈન આધારીત પમ્પીંગ સ્ટેશનો પર (એન.સી.૩૨, ૩૩ તથા ૩૪) મેઈન્ટેનન્સની કામગીરી સબબ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આગામી તા.૧૮.૯.૨૦૨૬ થી તા.૨૦.૯.૨૦૨૬ સુધીનું શટડાઉન રાખવામા આવેલ હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશન તથા કોઠારીયા ખાતે નર્મદાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે નહી. તેમજ આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન ખાતે પાણી ટ્રાન્સફર કરવામાં આવતી પાઈપ લાઈન લીકેજ થયેલ હોવાથી રીપેરીંગ કામ સબબ પાણીનો અપૂરતો જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો છે. ઉક્ત કારણો સબબ શહેરમાં સુચારૂરૂપે પીવાના પાણીનો પુરવઠો વિતરણ કરી શકાય તેવા હેતુથી તા.૧૬થી ૨૧ સુધી અલગ અલગ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં પાણી મળી શકશે નહીં.