BREAKING NEWS

રાલોસંઘના ઉપાડી જવાયેલા મતદારને ત્રણ યુવા અગ્રણીઓ પરત લઇ આવ્યા

  • August 29, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રા.લો.સંઘની ચૂંટણીમાં ભાજપના બન્ને જૂથ દ્વારા મતદારોને તરફેણમાં ખેંચવાના પ્રયાસો: જબરી રસાકસી


રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી જીતવા ભાજપના જ બે જૂથ વચ્ચે જબરા દાવપેચ ખેલાઇ રહ્યા છે, પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ અને રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના મળી કુલ ત્રણ ધારાસભ્યો આ ચૂંટણીમાં રસ લઇ રહ્યા હોય અન્ય સ્થાનિક સહકારી સંસ્થાની ચૂંટણી જેવી સામાન્ય ચૂંટણી બની રહેવાને બદલે હાઇવોલ્ટેજ બની રહી છે. બન્ને જૂથ દ્વારા મતદારોને પોતાની તરફેણમાં ખેંચવા પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન રાદડિયા જૂથ તરફી મનાતા કાલાવડ રોડ તરફના એક મતદારને પ્રતિસ્પર્ધી જૂથ સમજાવટ માટે લઇ ગયું હતું તેને રાદડિયા જૂથના ત્રણ યુવા સહકારી અગ્રણી જામનગર હાઈવે તરફથી પરત લાવ્યા હોવાની ચર્ચા છે.

ચર્ચાતી વિગતો મુજબ, ભાજપના બન્ને જૂથ દ્વારા મતદારોનો સંપર્ક કરી પોતાની તરફેણમાં લેવા પ્રયાસો ચાલી રહ્યા છે તે અંતર્ગત બે દિવસ પૂર્વે રાદડિયા જૂથ તરફી મનાતા એક મતદારને રાત્રે સમજાવવા માટે પ્રતિસ્પર્ધી જૂથના બે આગેવાનો સાથે લઇ ગયા હોવાનું સામે આવતા રાદડિયા જૂથ તરફી મનાતા ત્રણ સહકારી અગ્રણીઓ (૧) વૃષભ રાશિના દ્વિતીય અક્ષર ઉપરથી નામ તેમજ મિથુન રાશિના પ્રથમ અક્ષર ઉપરથી અટક ધરાવતા કિસાન નેતા (૨) હાલ એક સંસ્થામાં ચેરમેનપદ ધરાવતા અને મકર રાશિના પ્રથમ અક્ષર ઉપરથી નામ તથા વૃષભ રાશિના પ્રથમ અક્ષર ઉપરથી અટક ધરાવતા સહકારી યુવા નેતા તેમજ (૩) વૃષભ રાશિના દ્વિતીય અક્ષર ઉપરથી નામ અને કુંભ રાશિના અક્ષર ઉપરથી અટક ધરાવતા સહકારી આગેવાન સહિતના ત્રણ આગેવાનોની દરમિયાનગિરીથી આ મતદાર રાજકોટ પરત આવી ગયા હોવાનું જાણવા મળે છે.

ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાનું જૂથ નીતિન ઢાંકેચાને ચેરમેન બનાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ રાજકોટના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ચેરમેન પદે નિયુક્ત કરવા આતુર છે. બળવો થતાં બિનહરીફ નિયુક્તિને બદલે ચૂંટણી યોજવી પડી છે ત્યારે બન્ને જૂથ ભાજપના જ છે તેમ છતાં રાદડિયા જૂથ દ્વારા પાર્ટીના મૌખિક મેન્ડેટનો ઉલાળીયો કરીને ચૂંટણી લડવામાં આવી રહી હોય આ સંજોગોમાં અરવિંદ રૈયાણીને ભાજપના મૌખિક મેન્ડેટ મુજબના સત્તાવાર ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે અને તે મુજબ જ પ્રચાર કરીને મતદારોને સમજાવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application