BREAKING NEWS

રાજકોટ રા.લો. સંઘની ચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ! ભાજપે ચૂંટણી લડવા ઈચ્છુક તમામને ફોર્મ ભરવાની છૂટ આપી

  • August 20, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રા.લો. સંઘની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈને મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રા.લો. સંઘની કુલ 61 મંડળીઓ પૈકી 59 મંડળીઓ ભાજપ સમર્થિત હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને પગલે ચૂંટણીમાં ઉમેદવારીને લઈને અનેક અટકળો શરૂ થઈ છે.


ભાજપ દ્વારા હાલ જેટલા પણ ઇચ્છુક ઉમેદવારો હોય, તેઓ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરી શકે તેવી છૂટ આપવામાં આવી છે. જેના કારણે ચેરમેન સહિત ડિરેક્ટર પદ માટે અનેક ઉમેદવારો મેદાનમાં ઉતરવાની શક્યતા છે. જોકે, અંતે કોના ફોર્મ યથાવત રહેશે અને કયા ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે તેનું ચિત્ર 27 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા બાદ સ્પષ્ટ થશે.


એશિયાના સૌથી મોટા સહકારી સંઘ તરીકે ઓળખાતા રા.લો. સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ અને ડિરેક્ટર પદ મેળવવા માટે ગાંધીનગર સુધી લોબિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં ભાજપનું વલણ મહત્વપૂર્ણ બની રહેશે. પક્ષના નિર્ણય બાદ જ અંતિમ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.


આ અંગે ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, પાર્ટી જે પણ વ્યક્તિને ફોર્મ પરત ખેંચવાનું કહેશે તે પોતાનું ફોર્મ પરત ખેંચશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સી.આર. પાટીલ દ્વારા સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટ પ્રથાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, આ વખતે પાર્ટીનો નિર્ણય આવે તે પહેલાં જ કેટલાક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે.


દરમિયાન, બળવો થાય તેવી શક્યતા હોવાના કારણે જ ભાજપે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની છૂટ આપી હોવાની પણ રાજકીય ચર્ચા ચાલી રહી છે. પક્ષના તાલીમ વર્ગો શરૂ હોવાથી મેન્ડેટ ન પહોંચ્યો હોવાની વાત પણ આગળ ધરવામાં આવી રહી છે. હવે 27 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કયા જૂથના કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે અને કોને પક્ષનું સમર્થન મળશે તે અંગેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application